ભૂતપૂર્વ આઇરિશ ક્રિકેટર કહે છે, `સૂર્યવંશીએ સચિન જેવા ગુણ અને ક્ષમતા સાથે કરીઅરમાં આગળ વધવું પડશે'
બેંગ્લૂરુઃ શુક્રવાર, 26મી જૂને ભારતીય સમય અનુસાર સાંજે 6.00 વાગ્યે વર્તમાન ક્રિકેટ જગતનો મોસ્ટ સેન્સેશનલ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ થશે અને એ સુવર્ણ અવસરને માણવા તેના ડેબ્યૂના સ્થળ આયરલૅન્ડના સ્ટેડિયમમાં બેસીને તેની બૅટિંગ જોવા યુરોપમાંથી અનેક લોકોએ ડિમાન્ડ કરી છે જેમને સમાવવા આયોજકોએ સીટની સંખ્યા વધારવી પડે તો નવાઈ નહીં. મૅચને માંડ 48 કલાકનો સમય બાકી છે ત્યારે એની ટિકિટ લેવા જાણે પડાપડી થઈ રહી છે.
ભારત અને આયરલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર એમવી નરસિંહ રાવે આઇરિશ શહેર સ્ટ્રબેનથી પીટીઆઇને કહ્યું, `બેલફાસ્ટમાં સ્ટૉરમન્ટ શહેરના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબના ગ્રાઉન્ડના સ્ટેડિયમમાં લગભગ 7,000 જેટલી જ સીટ છે એટલે સ્થાનિક આયોજકોએ સીટની સંખ્યા કદાચ વધારવી પડશે. પૅરિસ સહિત યુરોપના ઘણા શહેરો અને દેશોમાંથી લોકો બેલફાસ્ટ આવીને વૈભવની મૅચ જોવા ઉત્સુક છે. આશા છે કે તેઓ બધાને સમાવવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે.'
નરસિંહ રાવ 71 વર્ષના છે. તેઓ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને લેગ સ્પિનર હતા. તેઓ 1978-1979 દરમ્યાન ભારત વતી ચાર ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કૅપ્ટન ઑલ્વિન કાલિચરણ સહિત કુલ ત્રણ વિકેટ લીધી હતી. 1990ના દાયકામાં તેઓ આયરલૅન્ડ વતી રમ્યા હતા.
વૈભવ આયરલૅન્ડના મેદાન પર કેમ મોજ કરશે?
આયરલૅન્ડમાં વર્લ્ડ નંબર-વન ભારત સામે મૅચ રમાવાની હોય અને એમાં પણ આઇપીએલ-2026નો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી જેવો સૌથી વધુ ચમકતો સિતારો રમવાનો હોય તો તેની એ મૅચ જોવાનું મન કોને ન થાય? નરસિંહ રાવ કહે છે, `શુક્રવારે જો વૈભવ ડેબ્યૂ કરશે તો ઐતિહાસિક અને યાદગાર દિવસ કહેવાશે. વૈભવની મૅચનો અવસર અહીં આવશે એ કોઈએ ધાર્યું નહોતું. છેલ્લા 10 દિવસમાં (ભારતીય ટીમ જાહેર થઈ ત્યારથી) અહીં આયરલૅન્ડમાં સર્વત્ર ઉમંગ ફેલાયો છે. ગયા મહિને આઇપીએલ વખતે મેં ટીવી પર વૈભવની બૅટિંગ જોઈ હતી. તેને અહીંના મેદાન પર બૅટિંગ કરવાની ખૂબ મજા આવશે, કારણકે અહીંની પિચ સામાન્ય રીતે ધીમી હોય છે અને આયરલૅન્ડ પાસે પેસ સાથે બૉલ ફેંકી શકે એવા ફાસ્ટ બોલર નથી. જોકે ઇંગ્લૅન્ડમાં તેની પરીક્ષા થશે, કારણકે ત્યાં બોલરને બહુ સારી મૂવમેન્ટ મળતી હોય છે અને ઘડીવારમાં હવામાન બદલાઈ જતું હોય છે. જોકે વૈભવને હું હૃદયથી શુભકામના આપું છું.'
વૈભવમાં થોડી સોબર્સ જેવી કળા
આયરલૅન્ડમાં તેમ જ હૈદરાબાદમાં કોચિંગ આપી ચૂકેલા નરસિંહ રાવ કહે છે, `વૈભવની બૅટિંગ જોઈને મને સર ગૅરી સોબર્સની મૅચો યાદ આવે છે. સોબર્સ જેવી હાઇ બૅકસ્વિંગની કળા તેનામાં છે અને તેમની જેમ બૉલને તરત પારખી લેવાની આવડત પણ વૈભવમાં છે. 15 વર્ષની નાની ઉંમરે તે અનેક પ્રકારના શૉટ રમી શકે છે. તે ઈશ્વરની દેન છે, પણ સચિન તેન્ડુલકરની માફક તેણે તનતોડ મહેનત કરવી જોઈશે, વિનમ્રતા જાળવવી પડશે, વાસ્તવિકતા સ્વીકારવી પડશે અને સફળતા મગજ પર સવાર ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. એ ઉપરાંત તેણે ફિટનેસ જાળવવી પડશે અને વિવિધ પ્રકારની પિચ પર રમવાની પ્રૅક્ટિસ કરવી પડશે. તે આટલી નાની ઉંમરે સુપરસ્ટાર થઈ ગયો છે એટલે તેના માટે આવનારો સમય મોટી કસોટીનો છે.'