Sun Sep 06 2026

Logo
IPL 2026:

જયપુરમાં વૈભવની બોલબાલા, ચાર બૉલમાં ચાર છગ્ગાઃ પૅટ કમિન્સને પણ ન છોડ્યો

2026-04-25 20:10:02
Author: Ajay Motiwala
જયપુરમાં વૈભવની બોલબાલા, ચાર બૉલમાં ચાર છગ્ગાઃ પૅટ કમિન્સને પણ ન છોડ્યો

જયપુર: શનિવારે હૈદરાબાદે બૅટિંગ આપ્યા બાદ રાજસ્થાને (Rajasthan) આતશબાજી શરૂ કરી દીધી અને છ ઓવરમાં એક વિકેટે 76 રન કર્યા. ખૂબીની વાત એ છે કે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફરી અસલ રૂપ બતાવ્યું છે.

તેણે પેસ બોલર પ્રફુલ્લ હિન્ગેની સૌપ્રથમ ઓવરમાં ચાર બૉલમાં ચાર સિક્સર ફટકારી દીધી હતી.

યશસ્વીએ પ્રથમ બૉલ પર એક રન લીધો ત્યાર બાદ બીજો બૉલ ડૉટ ગયો હતો. જોકે વૈભવે (Vaibhav) ત્રીજા બૉલથી તાકાતનું પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બૉલમાં છગ્ગો ફટકારી દીધો હતો અને જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.

ફુલ્લી ફિટ થઈને આ વખતે પહેલી વખત રમવા આવેલા ઑસ્ટ્રેલિયાના પૅટ કમિન્સે પણ વૈભવે નહોતો છોડ્યો. તેની ઓવરના છઠ્ઠા બૉલમાં વૈભવે સિક્સર ફટકારી હતી. ડીપ મિડવિકેટ પર ઊભેલો હૈદરાબાદનો ફીલ્ડર ઊંચે હવામાં પસાર થઈ રહેલા બૉલને જોતો રહી ગયો હતો.

વૈભવને તેના 32મા રને અનિકેતના હાથે જીવતદાન મળ્યું હતું અને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર જતો રહ્યો હતો. છ ઓવરને અંતે યશસ્વી (10 રન)ની વિકેટ સાથે રાજસ્થાનનો સ્કોર 1/76 હતો. વૈભવ 16 બૉલમાં સાત સિક્સર અને એક ફોરની મદદથી બનેલા 51 રન સાથે રમી રહ્યો હતો.