મુંબઈઃ ટી-20ના સૌથી ટૂંકા ફૉર્મેટમાં વ્યક્તિગત સ્કોરની વાત કરીએ તો ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ઑસ્ટ્રેલિયાનો આરૉન ફિન્ચ 172 રન સાથે મોખરે છે, ક્રિસ ગેઇલ અણનમ 175 રન સાથે અવ્વલ છે અને સમગ્ર ટી-20 ફૉર્મેટની વાત કરીએ તો પણ ક્રિસ ગેઇલના અણનમ 175 રન હાઇએસ્ટ છે ત્યારે 15 વર્ષના વિસ્ફોટક ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ દાવો કર્યો છે કે ટી-20 મૅચમાં 200 રન બનાવવાનું તેનું સપનું છે.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન કેવિન પીટરસન સાથેની વાતચીતમાં વૈભવ (Vaibhav)એ કહ્યું કે તેને હાફ સેન્ચુરી કે સેન્ચુરીથી સંતોષ નથી થતો. તેનું ખરું સપનું ટી-20માં ડબલ સેન્ચુરી ફટકારવાનું છે.
ઉલ્લેનીય છે કે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી પહેલાં ડબલ સેન્ચુરી ઑસ્ટ્રેલિયાના બિલ મુર્ડોકે (211 રન) 1884માં ઇંગ્લૅન્ડ સામે ફટકારી હતી. વન-ડે ઇન્ટરનૅશનલમાં સચિન તેન્ડુલકર 2010માં ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો હતો. ત્યારે તેણે સાઉથ આફ્રિકા સામે 200 રન બનાવ્યા હતા અને આઉટ નહોતો થયો.
કેવિન પીટરસન (Pietersen)એ જ્યારે વૈભવ સૂર્યવંશીને પૂછ્યું કે `શું તને હાફ સેન્ચુરી સેલિબ્રેટ કરવી ગમે છે?' વૈભવે તરત જ કહ્યું, `ના, ખાસ કંઈ નહીં. હું તો ટી-20માં એક ઇનિંગ્સમાં 200 રન બનાવવા માગું છું. હું ગેઇલનો વિશ્વવિક્રમ તોડવા માગું છું.'
Vaibhav Sooryavanshi Wants To Score 200 Runs In T20!
— The Switch | Kevin Pietersen (@kptheswitch) May 25, 2026
Chris Gayle Holds The Record At 175! pic.twitter.com/liNldqDn0k
ગેઇલે 2013માં બેંગ્લૂરુ વતી રમીને પુણે વૉરિયર્સ વિરુદ્ધ અણનમ 175 રન બનાવ્યા હતા. આ રેકૉર્ડ તોડવા માટે વૈભવને પોતાના પર પૂરો ભરોસો છે. તેણે પીટરસનને કહ્યું, `હું જ્યારે મૅચમાં પૂરી 20 ઓવર રમીશ ત્યારે ગેઇલનો વિક્રમ તોડી શકીશ. હું જો નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થઈ જાઉં તો એનો મને કોઈ જ અફસોસ નથી હોતો. મારી નજર તો ડબલ સેન્ચુરી પર જ છે.'