વડોદરાઃ વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામમાં મગરે યુવકનો શિકાર કર્યો હતો. ઘટના બાદ સમગ્ર ગામમાં શોક અને ડરનો માહોલ છે. કાગડીપુરા ગામનો મિથુન વસાવા મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. ગુરુવારે તે દેવ નદીના કિનારે પાણી પીવા ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, મિથુન નદી કિનારે વાંકો વળીને પાણી પીતો હતો ત્યારે અચાનક આવેલા મગરે તેના પર હુમલો કર્યો હતો.
યુવક કંઈ સમજે તે પહેલાં જ મગર તેને ખેંચીને પાણીમાં લઈ ગયો હતો. આંખના પલકારામાં જ આ ઘટના બનતાં ત્યાં ઉપસ્થિત લોકો પણ કંઈ કરી શક્યા નહોતા. ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. મિથુન તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. તે મજૂરી કરીને વૃદ્ધ માતા-પિતાનું ભરણપોષણ કરતો હતો. પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાના પગલે ગામમાં માતમ છવાઈ ગયો હતો.
સ્થાનિકોએ જણાવ્યું કે, મગરના મુખમાં ફસાયેલા યુવકના લોહીથી નદીનું પાણી રંગાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા વાઘોડિયા પોલીસ, વન વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. જોકે, મગર વારંવાર પાણીમાં ઉતરી જતો હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મિથુન વસાવા પરિવારનો એકનો એક દીકરો હોવાથી આ કમકમાટીભરી ઘટનાને પગલે કાગડીપુરા ગામમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ હતી. દેવ નદીમાં અસંખ્ય મગરો હોવા છતાં સુરક્ષાના અભાવે સ્થાનિક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વ્યારા ગ્રામ પંચાયતના સરપંચે તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, જો સમયસર રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું હોત તો યુવકને જીવ બચી શક્યો હતો. સરપંચ મુજબ ઘટનાની જાણકારી તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસને જાણ કરી હતી પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તલાટીનો રિપોર્ટ બાદ રેસ્ક્યૂ શરૂ કરવાનું કહ્યું હતું.