અમદાવાદઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ફરી મગરે માણસને કાળનો કોળિયો બનાવ્યો હતો. અહીં એક પૂર્વ પોલીસકર્મીને મગર પાણીમાં તાણી ગયો હતો અને ભારે જહેમત બાદ તેમનો મૃતદેહ બહાર લાવી શકાયો હતો.
વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વાઘોડિયા તાલુકાના પાલડી ગામે રહેતા 61 વર્ષીય નરેશ પીરુભાઈ ભાલીયા ઘડો લઈને પાણી ભરવા માટે નદી કિનારે ગયા હતા.
તેઓ પાણી ભરતા હતા ત્યારે ઘડો તેમના હાથમાંથી છૂટી ગયો હતો. તેઓ ઘડો લેવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે અચાનકથી આવેલા મગરે તેમના પર તરાપ મારી તેમને પાણીમાં ખેંચી લીધા હતા. પિતાને બચાવવા પુત્ર પણ પાણીમાં કૂદ્યો હતો, પરંતુ તે મગરના મોઢામાંથી પિતાને છોડાવી શક્યો ન હતો.
ત્યારબાદ ફાયર બ્રિગેડ તેમ જ પોલીસનો કાફલો આવ્યો હતો તેમ જ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મગરે લગભગ એકાદ કલાક સુધી નરેશભાઈને મોઢામાં જકડી રાખ્યા હતા અને પાણીમાં આમતેમ આંટા માર્યા હતા. આ વિસ્તારમાં નદી પાસે ઝાડી ઝાખરા હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને પણ રેસ્ક્યુ કરવામાં મુશ્કેલીઓ નડી હતી.
અંતે લાકડાની મદદથી તેમને મગરના મોઢામાં મૃતદેહ છોડાવ્યો હતો, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં મગર મોટી સંખ્યામાં હોવાથી આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે તંત્રએ વધારે સુરક્ષા વ્યવસ્થા કરવાની જરૂર છે જ્યારે નાગરિકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે.