Thu Oct 08 2026

Logo

દીવના નાગવા બીચ પર મૃત હાલતમાં ડોલ્ફિન મળી, જુઓ વીડિયો

2026-10-08 17:06:16
Author: Mayur Patel
દીવના નાગવા બીચ પર મૃત હાલતમાં ડોલ્ફિન મળી, જુઓ વીડિયો

દીવઃ દેશ-વિદેશના પ્રવાસીઓમાં અતિ લોકપ્રિય એવા દીવના દરિયાકિનારે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી. દીવના જાણીતા નાગવા બીચ પર વહેલી સવારે એક ડોલ્ફિન માછલી મૃત હાલતમાં તણાઈ આવી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું.

દીવના સમુદ્રમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં ડોલ્ફિન જોવા મળતી હોય છે, જે અહીં આવતા પ્રવાસીઓ માટે પણ એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. જોકે, વહેલી સવારે કિનારે વિશાળ કદની ડોલ્ફિનનો મૃતદેહ જોઈ સ્થાનિકો અને સહેલાણીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને ડોલ્ફિનના મૃતદેહને યોગ્ય રીતે દફનાવવાની કવાયત હાથ ધરી હતી.

ડોલ્ફિનનું મોત કોઈ બીમારીથી થયું છે, પ્રદૂષણના કારણે કે પછી ઊંડા સમુદ્રમાં બોટ અથવા જહાજ સાથે ટકરાવાને લીધે થયું છે, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે આ મામલે વિસ્તૃત તપાસ થાય તેવી પણ લોકમાંગ ઉઠી હતી.