વડોદરા: ગુજરાતીમાં વિદેશ જવાની ઘેલછા ઘણીવાર મોટા નુકસાનીનું કારણ પણ બની જાય છે. કઈક આવો જ કિસ્સો વડોદરાથી પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં એક વેપારી સાથે UKના વિઝા અપાવવાના બહાને 12.44 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ છે. જો કે અંત રરૂપિયા પરત ન મળતા વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ફરિયાદ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરામાં વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિ સાથે છેતરપિંડીની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા ૪૩ વર્ષીય ભાવેશભાઈ રસીકભાઈ પંડ્યાને યુકે (UK) મોકલવાના બહાને એક વિઝા એજન્ટે રૂ. 12.44 લાખની છેતરપિંડી આચરી છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયામાં આકર્ષક જાહેરાત જોઈને વેપારીએ વિઝાની પ્રક્રિયા શરૂ કરાવી હતી, પરંતુ લાખો રૂપિયા ચૂકવવા છતાં વિઝા ન મળતાં આખરે તેમણે પોલીસ મથકમાં વિઝા એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીએ સોશિયલ મીડિયા પર 'અક્ષર કન્સલ્ટન્સી'ની જાહેરાત જોઈ હતી. ગત ડિસેમ્બરમાં એજન્ટ અનુશ પટેલે પોતે વર્ષોથી આ વ્યવસાયમાં હોવાનો દાવો કરી તેમને વિશ્વાસમાં લીધા હતા. અનુશે યુકેના વિઝા માટે કુલ રૂ. 14 લાખનો ખર્ચ થશે અને માત્ર બે મહિનામાં કામ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ, એજન્ટની સૂચના મુજબ ભાવેશભાઈએ જુદા જુદા તબક્કામાં RTGS અને ગૂગલ પે મારફતે અનુશ પટેલના બેંક ખાતામાં કુલ રૂ. 12.44 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
પૈસા ચૂકવી દીધા બાદ સમય વીતતો ગયો છતાં વિઝા ન આવતા વેપારીએ ઘણીવાર પૂછપરછ કરી હતી. શરૂઆતમાં એજન્ટે ગલ્લાં-તલ્લાં કરતો રહ્યો અને પછી ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આખરે તેણે વિઝાનું કામ નહીં થાય તેમ કહી હાથ ઊંચા કરી દીધા હતા. વેપારીએ પોતાના નાણાં પરત માંગતા એજન્ટે ખોટા વાયદાઓ કર્યા હતા અને હજુ સુધી રકમ પાછી ન આપતા ભોગ બનનાર વેપારીએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.