Mon Oct 05 2026

Logo

વડોદરામાં સર્જાયા ફિલ્મી દૃશ્યોઃ એસએસજી હૉસ્પિટલમાંથી આરોપી ભાગ્યો, શોધવા માટે ડ્રોનની મદદ લેવી પડી

2026-08-06 17:54:41
Author: Pooja Shah
વડોદરામાં સર્જાયા ફિલ્મી દૃશ્યોઃ એસએસજી હૉસ્પિટલમાંથી આરોપી ભાગ્યો, શોધવા માટે ડ્રોનની મદદ લેવી પડી

અમદાવાદઃ પોલીસના સકંજામાંથી આરોપી ભાગ જાય, પછી આરોપી આગળને પોલીસ પાછળ એવા ઘણા દૃશ્યો આપણે ફિલ્મો-સિરિયલોમાં જોયા છે, પરંતુ વડોદરામાં ગુરવારે આવા દશ્યો વાસ્તવમાં ભજવાતા જોવા મળ્યા હતા. અહીંની એસએસજી હૉસ્પિટલમાં દુષ્કર્મના આરોપીને લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર દાહોદના આરોપીને ચામડીની તકલીફ હોવાથી તેને ઈન્જેક્શન મારવા હૉસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

આ માટે તેની હાથકડી ખોલવામાં આવી હતી. જોકે એક ઈન્જેક્શન મારાતા જ આરોપી પોલીસના જપ્તામાંથી ભાગ્યો હતો અને બધે ધક્કા મારતો એક ઈમારતમાં ઘુસી ગયો હતો, જેનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ભાગતો આરોપી અને ઈમારતમાં ઘુસતો આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આરોપી ક્યા ફ્લોર પર છે અને ક્યાં સંતાયો છે તે જાણવા માટે પોલીસે ડ્રોનની મદદ લેવી પડી હતી. પોલીસે માઈકથી એનાઉન્સમેન્ટ કરી તેને બહાર નીકળવા પણ કહ્યું હતું. 

રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસે સમગ્ર ઈમારતની કોર્ડન કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.  આ લખાય છે ત્યાં સુધી આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી. આ અંગે પોલીસસૂત્રો સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી.