વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ મુદ્દે કડક કામગીરી કરવામાં આવી રહી છે. બાકી વેરાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે કોર્પોરેશનની ટેક્સ કલેકશન બ્રાંચ (વેરા વસૂલાત શાખા) દ્વારા સોમવારે મકરપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ ડેપોનો આશરે 1.96 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાથી મેઈન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ મકરપુરા એસ.ટી. ડેપો અને સંબંધિત વિભાગને કરોડો રૂપિયાના બાકી વેરા અંગે અનેક નોટિસો પાઠવવામાં આવી હતી. આ રકમ ચૂકવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હોવા છતાં, એસ.ટી. વિભાગ બાકી ટેક્સ ભરવામાં નિષ્ફળ રહ્યો હતો, જેના પગલે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સવારે ડેપો પર પહોંચી હતી અને મુખ્ય ઓફિસના દરવાજાને સીલ મારી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી મુસાફરોની અવરજવર અને બસ સેવાઓને કોઈ અસર થઈ નથી, પરંતુ ડેપોનું વહીવટી કામકાજ ઠપ્પ થઈ ગયું છે.
કોર્પોરેશન દ્વારા જો આગામી દિવસોમાં બાકી લેણાં વહેલી તકે ભરપાઈ કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. મકરપુરા ડેપોની મેઈન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ સીલ કરવામાં આવતાં લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ હતી.