Sat Sep 12 2026

Logo

ડાયરેક્ટ કનેક્ટિવિટીઃ વડોદરાથી કચ્છના મુન્દ્રા વચ્ચે ‘એર ટેક્સી’ શરૂ, રોજની ૩ ફ્લાઇટ ઉડાન ભરશે

2026-08-28 19:46:09
Author: Devayat Khatana
ડાયરેક્ટ કનેક્ટિવિટીઃ વડોદરાથી કચ્છના મુન્દ્રા વચ્ચે ‘એર ટેક્સી’ શરૂ, રોજની ૩ ફ્લાઇટ ઉડાન ભરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એઆઈએ) દ્વારા આજે ગુજરાતના બે મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્રો વડોદરા અને મુન્દ્રા વચ્ચે સીધી ‘એર ટેક્સી’ સેવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. 

આ નૂતન પહેલનો મુખ્ય હેતુ બંને શહેરો વચ્ચેના મુસાફરી સમયમાં મોટો ઘટાડો કરી કનેક્ટિવિટીને અતિ ઝડપી, સ્માર્ટ બનાવવાનો છે. રસ્તા પરના કલાકોના ટ્રાફિક અને થાકભરી મુસાફરીમાંથી મુક્તિ અપાવતી આ પ્રીમિયમ હેલિકોપ્ટર સેવા ખાસ કરીને બિઝનેસ ટ્રાવેલર્સ, ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલ્સ માટે મુન્દ્રા પોર્ટ તેમ જ ઔદ્યોગિક હબ સુધી પહોંચવા માટે ખૂબ જ ફાયદાકારક થશે તેવી આશા સેવાઇ રહી છે.

વડોદરા એરપોર્ટથી મુન્દ્રા વચ્ચે શરૂ થયેલી આ એર સર્વિસના સમયપત્રક અનુસાર, સોમવારથી રવિવાર દરમિયાન વડોદરાથી દરરોજ નિયમિત રીતે ત્રણ ફ્લાઇટ્સ ઉડાન ભરશે, જેમાં સવારે ૬:૩૦ વાગ્યે, સવારે ૬:૫૫ વાગ્યે અને સવારે ૭:૨૦ વાગ્યે મુન્દ્રા માટે રવાના થશે. 

આ ઉપરાંત, મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે દર રવિવારે સવારે ૭:૪૫ વાગ્યે વધારાની એક વિશેષ ફ્લાઇટ પણ દોડાવવામાં આવશે, તેવી વિગતો પ્રાપ્ત થઈ હતી. 

આ એર ટેક્સી સેવામાં મુસાફરોને પ્રીમિયમ અને આરામદાયક સીટિંગ, સરળ ચેક-ઇન પ્રક્રિયા અને ઉચ્ચ સુરક્ષા માપદંડો સાથે સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળશે. ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને વ્યાપારિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે આ સેવા ખૂબ મહત્વની સાબિત થશે. લિમિટેડ સીટ્સ હોવાથી મુસાફરોને એડવાન્સ બુકિંગ કરાવવાની સલાહ આપવામાં આવી હતી.