Thu Sep 03 2026

Logo

બેંક એકાઉન્ટ સર્વિસથી સાયબર ફ્રોડના 210 કરોડ રૂપિયાની હેરાફેરી, 6 શખ્સોની ધરપકડ

2026-04-19 10:58:00
Author: Mumbai Samachar Team
બેંક એકાઉન્ટ સર્વિસથી સાયબર ફ્રોડના 210 કરોડ રૂપિયાની હેરાફેરી, 6 શખ્સોની ધરપકડ

વડોદરાઃ સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયાની હેરાફેરી માટે બેંક સર્વિસ પૂરી પાડતી ટોળકીને વડોદરામાંથી પકડી લેવામાં આવી છે.સ્ટેટ સાયબર ક્રાઈમ દ્વારા શરૂ કરવામાં આવેલી એક ઝુંબેશમાં વડોદરામાંથી 6 શખ્સોની ટોળકી પકડાઈ છે, જે નાણાની હેરફેર માટે બેંક ખાતુ સર્વિસ હેઠળ આપતી હતી. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, જુદા-જુદા બેંક એકાઉન્ટમાંથી 210 કરોડ રૂપિયાની હેરફેર કરવામાં આવી છે. આ ટોળકી મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટ ખોલાવતી હતી. 

ક્યા આરોપીનો શું રોલ હતો?
પોલીસ તપાસમાંથી બેંક ખાતાની વિગત, ડૉક્યુમેન્ટ, ક્યૂઆર કોડ સહિત કેટલાક ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે. પોલીસે આ ટોળકી પાસેથી 11 સ્માર્ટ ફોન, 12 ચેકબુક, 5 પાસબુક, 39 ડેબિટ કાર્ડ,1 લેપટોપ અને દસ જુદી જુદી બેંકના ક્યૂઆર કોડ મળ્યા છે. જ્યારે લેપટોપમાં તપાસ કરતા એમના દ્વારા ઓનલાઈન ખોલવામાં આવેલા ખાતામાંથી 210 કરોડ રૂપિયાની હેરફેર થઈ હોવાનું સામે આવ્યું છે. આ ટુકડીમાં અબ્દુલ પઠાણ નામનો આરોપી એક સાથે ઘણા બધા એકાઉન્ટ ખોલાવી પૈસાની લેવડદેવળ સંભાળતો હતો. જ્યારે વિવેક વણઝારા નામનો વ્યક્તિ કમિશન લઈને ખાતુ ખોલી દેતો હતો. 

જુદી-જુદી દિશામાં તપાસ શરૂ
આ કમિશન મળ્યા બાદ જે તે રકમ નક્કી થાય પછી એ પૈસા ખાતામાંથી ઉપાડતો અને બીજા ખાતામાં ટ્રાંસફર કરતો, આ કામમાં એનો મિત્ર પણ એમની મદદ કરતો હતો. અન્ય આરોપી રોહિત શર્મા કમિશનના આધારે પૈસા બીજા ખાતામાં ફેરવતો, મોહિત રાવલ નામનો આરોપી મોબાઈલ બેંકિંગ માટેના સીમકાર્ડ પૂરા પાડતો, દીપેશ રાજપુરોહિત નામનો આરોપી આ કામનો માસ્ટમાઈન્ડ હતો જે 40થી વધારે બેક એકાઉન્ટનું સંચાલન કરતો હતો. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ સમગ્ર કૌભાંડમાં અન્ય ક્યા લોકો જોડાયેલા છે. આ ઉપરાંત આ પૈસાથી વિદેશમાં કોઈ વહીવટ કરવામાં આવ્યો છે કે નહીં, આ ઉપરાંત આરોપીની પૂછપરછમાંથી અન્ય કોઈ વિગત પણ સામે આવી શકે છે.