વડોદરાઃ અંકોડિયા વિસ્તારમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે, જેમાં પ્રેમમાં શંકા રાખીને એક પ્રેમીએ જ તેની પ્રેમિકાની નિર્મમ હત્યા કરવાની ચોંકાવનારી માહિતી મળી છે. મૃતક યુવતી ૩ મેના ઘરેથી મહેંદી મુકાવવા જવાનું કહીને નીકળી હતી, પરંતુ મોડે સુધી પરત ન ફરતા અને ફોન બંધ આવતા પરિવારે શોધખોળ આદરી હતી.
ચોથી મેના સોશિયલ મીડિયા પર એક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હોવાના ફોટા વાયરલ થતા પરિવારે હોસ્પિટલ પહોંચી ઓળખ કરી હતી. વડોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ત્યારે મૃતદેહ પાસે પડેલી એક ચાદર અને તેના પર રહેલો ડી-માર્ટની ટેગ પોલીસ માટે સૌથી મોટી કડી સાબિત થઈ હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ ચાદર ઘટનાના બે દિવસ પહેલા જ એક યુવકે શહેરના ડી-માર્ટ સ્ટોરમાંથી ખરીદી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે બોડેલીના વતની અને એક કેફેમાં કામ કરતા રોહન પરમારની ધરપકડ કરી છે.
પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે અને યુવતી છેલ્લા પાંચ-છ મહિનાથી રિલેશનશિપમાં હતા. યુવતી જે ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી તેની સામે જ આરોપીનું કેફે આવેલું હતું. જોકે, આરોપીને શંકા હતી કે યુવતીનો અન્ય કોઈ યુવક સાથે પણ સંબંધ છે, જેના કારણે તેણે પાંચ દિવસ પહેલા જ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું.
હત્યાની યોજના મુજબ, ૩ મેના રોહને યુવતીને અંકોડિયા વિસ્તારના એક મિની વોટર પાર્ક પાસે મળવા બોલાવી હતી અને ત્યાંથી તેને એક સુમસામ જગ્યાએ લઈ ગયો હતો. વાતચીત દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવીને આરોપીએ લેપટોપના વાયરથી યુવતીનું ગળું ટૂંપી હત્યા કરી દીધી હતી.
ત્યાર બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને નવી ખરીદેલી ચાદરમાં લપેટીને અવાવરું જગ્યાએ ફેંકી દીધો હતો અને યુવતીનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નેત્રંગ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો. હાલ વડોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.