Sat Sep 26 2026

Logo

ઉત્તર પ્રદેશના અલીગઢમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટીએ, બેઠકમાં મારામારી

2026-06-28 22:28:50
Author: Chandrakant Kanoja
ઉત્તર પ્રદેશના અલીગઢમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટીએ, બેઠકમાં મારામારી

Tauqeer Alam


અલીગઢ : ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક બેઠક  પૂર્વે  કોંગ્રેસનો આંતરિક વિવાદ  સપાટીએ આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે છૂટા હાથની મારામારી જોવા મળી હતી. તેમજ એક કાર્યકરને માર મારીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો.  આ સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને યુપીના પ્રભારી તૌકીર આલમ બેઠકને  સંબોધવાના હતા. પરંતુ તેમનું વક્તવ્ય  શરૂ થાય તે પૂર્વે જ અચાનક ભારે હંગામો અને વિવાદ શરૂ થઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છૂટા હાથની મારામારી થઇ 

તેમજ કોંગ્રેસના કેટલાક નેતાઓની બેઠકમાં બહારના લોકો બળજબરીથી ઘૂસી ગયા હોવાના આક્ષેપોને કારણે આ હંગામો થયો હતો. આ મુદ્દા પર નેતાઓ વચ્ચે દલીલ થઈ હતી અને તે ઝડપથી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. જેમાં છૂટા હાથની મારામારી થઇ હતી. 

બહારનો વ્યક્તિ નશામાં કાર્યક્રમમાં ઘૂસી ગયો હતો

જોકે, આ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ નાવેદ ખાને સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે એક બહારનો વ્યક્તિ નશામાં કાર્યક્રમમાં ઘૂસી ગયો હતો. તેમના મતે  તે વ્યક્તિ પાર્ટીનો સભ્ય નહોતો અને તેને અગાઉના કોઈપણ કાર્યક્રમમાં ક્યારેય જોવા મળ્યો ન હતો. જ્યારે તેને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે  મારામારી શરૂ કરી હતી. 

આ ઘટનાએ કોંગ્રેસ પાર્ટીના આંતરિક સંગઠન અને કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમા પણ  ખાસ કરીને બહારનો વ્યક્તિ કેવી રીતે પ્રવેશ મેળવવામાં સફળ થયો અને પરિસ્થિતિ આટલી હદે કેવી રીતે વણસી તે મોટો પ્રશ્ન છે.