વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધના પગલે વિશ્વભરમાં તણાવ વધી રહ્યો છે. જેમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો જાળવી રાખતા સ્થિતી વિકટ બની રહી છે. જેમાં અમેરિકા હવે ઈરાનના સૈન્ય ઉતારવાની ના પાડી રહ્યું છે.
ત્યારે બીજી તરફ અમેરિકાનું યુદ્ધ જહાજ યુએસએસ ત્રિપોલી 2200 સૈનિકો સાથે મિડલ ઇસ્ટ તરફ આગળ વધી રહ્યું છે. આ બાબત સેટેલાઈટ ઈમેજથી સ્પષ્ટ થઈ રહી છે. આ જહાજ હાલ દક્ષિણ હિંદ મહાસાગરમાં ભારતની નજીક છે. જેના પગલે આગામી સપ્તાહે અમેરિકા ઈરાન યુદ્ધ વધુ ખતરનાક બની શકે છે.
હજારો સૈનિકો તૈનાત કરવા પર ગંભીરતાથી વિચાર
આ ઉપરાંત અમેરિકન સુરક્ષા અધિકારીઓએ તો ત્યાં સુધી કહી દીધું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં પોતાના અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે હજારો સૈનિકો તૈનાત કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. અમેરિકા જમીન પર પોતાનું સૈન્ય તૈનાત પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું 'હોર્મુઝ સ્ટ્રેટ' ફરીથી ખોલવાનું છે. વિશ્વના ક્રુડ ઓઈલ અને ગેસનો 20 ટકા હિસ્સો આ જ માર્ગ પરથી પસાર થાય છે.
પશ્ચિમી દેશોના જહાજો પર હુમલાની ધમકીઓ
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ શરુ થયેલા યુદ્ધ બાદ ઈરાને આ ક્ષેત્રને પરિવહન માટે સ્થગિત કરી દીધો છે. જેના કારણે વિશ્વભરમાં ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે. જોકે ઈરાને ભારત અને પાકિસ્તાન જનારા કેટલાક ટેન્કરોને પસાર થવાની મંજૂરી આપી છે, પરંતુ તેણે પશ્ચિમી દેશોના જહાજો પર હુમલાની ધમકીઓ પણ આપી છે. તેમજ હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દેશો પાસેથી મનસ્વી કર વસૂલ કરી રહ્યું છે.
યુએસએસ ત્રિપોલી ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે
આ ઉપરાંત અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે તેમના સાથી દેશો પણ આ માર્ગને સુરક્ષિત કરવા માટે તેમના યુદ્ધ જહાજો મોકલે પરંતુ અત્યાર સુધી કોઈ પણ દેશે તૈયારી દર્શાવી નથી. ત્યારે અમેરિકા માટે યુએસએસ ત્રિપોલી ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
તેમજ જો ટ્રમ્પ આ માર્ગને સુરક્ષિત કરવા માંગે છે તો તેમણે ઈરાની કિનારા પર સૈનિકો ઉતારવા પડશે. તેમજ એમ પણ માનવામાં આવે છે ટ્રમ્પ આ મરીનનો ઉપયોગ ઈરાનના ટાપુઓ પર નિયંત્રણ મેળવવા માટે કરી શકે છે. જેનાથી આ સ્થાનો પરથી વાણિજ્યિક જહાજોનું રક્ષણ શક્ય બની શકે.