Sun Sep 13 2026

Logo

યુએસ ઈરાન પર હવે જમીન માર્ગે હુમલો કરશે? 3,000 ‘ઘાતક’ સૈનિકો રવાના કર્યા

Wasington D.C.   2026-03-26 15:46:00
Author: Savan Zalariya
યુએસ ઈરાન પર હવે જમીન માર્ગે હુમલો કરશે? 3,000 ‘ઘાતક’ સૈનિકો રવાના કર્યા

વોશિંગ્ટન ડી સી: યુએસએ ઈરાન સામે શરુ કરેલા ‘ઓપરેશન એપિક ફ્યુરી’ને એક મહિનો પૂરો થવા આવ્યો છે, અત્યાર સુધી યુએસ ફાઈટર જેટ, ડ્રોન, બેટલ શીપ અને મિસાઈલ વડે ઈરાન પર હુમલો કરી રહ્યું છે, એવામાં અહેવાલ છે કે યુએસ જમીન માર્ગે પણ ઈરાન સામે મોર્ચો ખોલી શકે છે.  યુએસ સેનાના સૈનિકોની સૌથી ઘાતક ટુકડીઓને મધ્યપૂર્વ તરફ રવાના કરવામાં આવી છે.  

નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટો માટે તૈયારી બતાવી છે, જ્યારે ઈરાન લડી લેવાના મૂડમાં છે. ઈરાને યુએસની સંપૂર્ણ બરબાદીની પ્રતિજ્ઞા લીધી છે. એવામાં યુએસ જમીન માર્ગે ઈરાન પર દબાણ બનાવવા પણ તૈયારી કરી રહ્યું છે. 

પેન્ટાગોન અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ(CENTCOM)નાં આંકડા મુજબ મધ્ય પૂર્વમાં 50,000 થી વધુ યુએસ લશ્કરી કર્મચારીઓ તૈનાત છે, જેમાં આર્મી સૈનિકો, મરીન, એરફોર્સના કર્મચારીઓ અને નૌકાદળના કર્મચારીઓનો સમાવેશ થાય છે. 

યુએસ સેનાનું આ ડિવિઝન રવાના:
એહવાલ મુજબ યુએસ સેનાના 82મા એરબોર્ન ડિવિઝનના આશરે 3,000 સૈનિકોને મધ્યપૂર્વમાં તૈનાત કરવામાં આવશે.

નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગમાં સ્થિત યુએસનું આ ડિવિઝન ઈમીડીએટ રિસ્પોન્સ ફોર્સના ભાગ છે, તેને વિશ્વનું સૌથી ઝડપી કામ કરતી ફોર્સ માનવામાં આવે છે. આ ડિવિઝનના સૈનિકો ઓર્ડર મળ્યાના 18 કલાકની અંદર વિશ્વમાં ગમે ત્યાં પેરાશૂટ લેન્ડિંગ કરવા સક્ષમ છે. 

આ ડિવિઝનનું પ્રાથમિક કાર્ય એર બેઝ કબજે કરવાનું અને પછીથી આવનારા મોટા સૈનિકો માટે ગ્રાઉન્ડ તૈયાર કરવાનું છે.