Wed Jun 17 2026

Logo

અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં આપી છૂટછાટ, ઈરાને કહ્યું- 'અમારી પાસે વધારાનું તેલ જ નથી'

Washington DC   2026-03-21 15:14:25
Author: Mumbai Samachar Team
Article Image

Treasury Secretary Scott Bessent


વોશિંગ્ટન ડીસી: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મોંઘવારીને ડામવા માટે ટ્રમ્પ સરકારે એક મહત્વની રણનીતિ અપનાવી છે. અમેરિકાએ ઈરાનના તેલ નિકાસ પર લાદેલા કડક પ્રતિબંધોમાં ૩૦ દિવસની કામચલાઉ છૂટ આપવાની જાહેરાત કરી છે. 20 માર્ચથી 19 એપ્રિલ સુધીના આ સમયગાળા દરમિયાન દરિયામાં જહાજોમાં ભરાયેલું ઈરાની તેલ વેચી શકાશે તેવું અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનું કહેવું છે. જોકે, આ જાહેરાત પાછળનો મુખ્ય હેતુ તેલના ભાવને અંકુશમાં રાખવાનો મનાય છે.

અમેરિકાનો દાવો છે કે ઈરાનનું લગભગ 14 કરોડ બેરલ તેલ દરિયામાં જહાજોમાં ફસાયેલું છે, જે બજારમાં આવતાની સાથે જ કિંમતો નીચે જશે. પરંતુ, ઈરાને આ દાવાને સાવ પોકળ ગણાવ્યો છે. ઈરાનના તેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે નિકાસ કરવા માટે આવો કોઈ વધારાનો સ્ટોક ઉપલબ્ધ નથી. ઈરાને અમેરિકાના આ નિવેદનને બજારમાં 'ખોટી આશા' જન્માવવાનો અને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ સ્થિતિ જોતા લાગે છે કે બંને દેશો તેલના મુદ્દે સામસામે આવી ગયા છે.

આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી અડચણ છે, જ્યાંથી દુનિયાનો 20 ટકા તેલનો પુરવઠો પસાર થાય છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે પુરવઠો ખોરવાયો છે અને તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ટ્રમ્પ સરકાર ઈરાન પર આર્થિક દબાણ તો ચાલુ રાખવા માંગે છે, પરંતુ સાથે જ અમેરિકામાં મોંઘવારી વધે તે તેમને પોસાય તેમ નથી. આથી, પ્રતિબંધો હળવા કરીને તેઓ બજારમાં સપ્લાય વધારવાનો 'માસ્ટર સ્ટ્રોક' મારવા માંગે છે.

ભારત પર શું થશે તેની અસર?
ભારત દુનિયાના સૌથી મોટા તેલ ખરીદદારોમાંનું એક હોવાથી આ આંતરરાષ્ટ્રીય ખેંચતાણની સીધી અસર ભારતીય બજાર પર પડશે. જોકે ભારત સીધું ઈરાન પાસેથી તેલ નથી ખરીદતું, પણ જો વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધે તો ભારતે અન્ય દેશો પાસેથી મોંઘા ભાવે તેલ લેવું પડે છે. ક્રૂડ ઓઈલ મોંઘું થતા જ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે અને પરિણામે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા સામાન્ય માણસના ખીચા પર મોંઘવારીનો બોજ વધે છે.