Tue Aug 25 2026

Logo

ભારતમાં હુમલો કરનારા આતંકીઓએ આજે પણ પાકિસ્તાનમાં સુરક્ષિત; અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો

washington   2026-03-29 12:39:00
Author: Devayat Khatana
ભારતમાં હુમલો કરનારા આતંકીઓએ આજે પણ પાકિસ્તાનમાં સુરક્ષિત; અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો

વોશિંગ્ટન ડીસી/ઇસ્લામાબાદ: આતંકવાદ મુદ્દે પાડોશી દેશ પાકિસ્તાનની મથરાવટી મેલી જ છે અને તેને અમેરિકી સંસદના રિસર્ચ યુનિટ 'અમેરિકી કોંગ્રેસ અનુસંધાન સેવા'ના તાજેતરના અહેવાલે વૈશ્વિક સ્તરે ફરી એકવાર ખૂલી પાડી દીધી છે. દક્ષિણ એશિયાના નિષ્ણાત કે. એલન ક્રોનસ્ટાડ્ટ દ્વારા તૈયાર કરાયેલા આ અહેવાલમાં ભારતના એ આરોપોને સમર્થન આપવામાં આવ્યું છે કે પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઠનો ભારતની સુરક્ષા માટે સતત ખતરો બની રહ્યા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા આતંકવાદી નેટવર્ક પર આ રિપોર્ટમાં ગંભીર ટિપ્પણી કરવામાં આવી છે.

રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ધરતી પરથી ભારત અને ખાસ કરીને કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ જીહાદ ઈસ્લામી, હરકત ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનો હજુ પણ સક્રિય છે. પાકિસ્તાન લાંબા સમયથી આવા વિવિધ સંગઠનોનું કેન્દ્ર રહ્યું છે, જેમાંથી ઘણા 1980ના દાયકાથી સક્રિય છે. અમેરિકી સાંસદોને પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિથી વાકેફ કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ અહેવાલમાં આતંકી સંગઠનોને વૈશ્વિક, અફઘાનિસ્તાન કેન્દ્રિત, ભારત (કાશ્મીર) કેન્દ્રિત, સ્થાનિક અને સાંપ્રદાયિક એમ પાંચ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે.

પાકિસ્તાનના સ્થાનિક સ્તરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલુચિસ્તાન લિબરેશન આર્મી જેવા જૂથો સક્રિય છે, જ્યારે સિપાહ-એ-સહાબા પાકિસ્તાન જેવા સંગઠનો સાંપ્રદાયિક અને શિયા વિરોધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આ તમામ સંગઠનો પાકિસ્તાનની સુરક્ષા અને નીતિગત ખામીઓને છતી કરે છે.

અહેવાલ મુજબ, વર્ષ 2014માં પાકિસ્તાને સશસ્ત્ર મિલિશિયાને ખતમ કરવા માટે રાષ્ટ્રીય કાર્યયોજના લાગુ કરી હતી અને અનેક સૈન્ય અભિયાનો તથા હજારો ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ હાથ ધર્યા હતા, તેમ છતાં આ સંગઠનોને પૂરી રીતે નાબૂદ કરી શકાયા નથી. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા આ સંગઠનો હજુ પણ પાકિસ્તાનમાં સક્રિય હોવાનું ખૂલ્યું હતું.