Fri May 22 2026

Logo

ગુજરાતના ઉંઝામાં ભેળસેળયુક્ત વરીયાળી અને કલરનો મોટો જથ્થો જપ્ત

2026-05-22 19:17:18
Author: Chandrakant Kanoja
Article Image

ઉંઝા : ગુજરાતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. ત્યારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કવોડ દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

જેમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પરથી કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજિત રૂ. 3.30  લાખની કિંમતનો 3548  કિલોગ્રામ વરિયાળીનો છૂટક -લુઝ જથ્થો તેમજ ભેળસેળ કરવા માટે વપરાતો લીલો એડલ્ટ્રન્ટ કલરનો  140 કિલોગ્રામ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવામાં આવતી હતી 

ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઊંઝામાં આવેલી "મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી" ખાતે અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આ ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ષડયંત્ર રંગેહાથ ઝડપાયું હતું.

આ ઉપરાંત, ફેક્ટરીના સંચાલકો આ જગ્યા પર ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું સક્ષમ સત્તાધિકારીનું કોઈપણ પ્રકારનું ફૂડ લાયસન્સ પણ ધરાવતા ન હતા. આમ, જનઆરોગ્યને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે કાયદાના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. 

નમૂનાઓ વિશ્લેષણ અને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા

આ ઉપરાંત અધિકારીઓ દ્વારા આ સમગ્ર જથ્થો સીઝ કરી, વરિયાળી તથા એડલ્ટ્રન્ટ તરીકે વાપરવામાં આવતા લીલા કલરના નમૂનાઓ વિશ્લેષણ અને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આ ફેક્ટરીના માલિકો સામે કાયદાની કડક કલમો હેઠળ આગળની કાનૂની કાર્યવાહી કરવા આરોગ્ય રાજ્ય મંત્રીએ કડક પગલા લેવાના આદેશ આપ્યા હતા.