Sun Sep 13 2026

Logo

સરહદી સુરક્ષાની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં: BSF ચોકીનું ઉદ્ઘાટન અને હરામીનાળાની મુલાકાત લેશે

2026-05-29 10:27:00
Author: Mumbai Samachar Team
સરહદી સુરક્ષાની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છમાં: BSF ચોકીનું ઉદ્ઘાટન અને હરામીનાળાની મુલાકાત લેશે

ભુજ: દેશની સીમા સુરક્ષા અને ઘૂસણખોરી રોકવા માટે કેન્દ્ર સરકારની વિશેષ સક્રિયતા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગત રાત્રે ભુજ આવી પહોંચ્યા છે. પાકિસ્તાન સરહદે વ્યુહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ મનાતા આ પ્રવાસ દરમિયાન તેઓ સરહદી સુરક્ષાની વ્યાપક સમીક્ષા કરશે. આ મુલાકાત દરમિયાન અદ્યતન સર્વેલન્સ સિસ્ટમ અને તટવર્તીય દેખરેખને વધુ મજબૂત કરવા અંગે મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. ગૃહમંત્રી શાહની સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કચ્છ આવ્યા છે, જ્યારે શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોમાં જોડાશે.

નિયત કાર્યક્રમ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી શુક્રવારે સવારે ૧૦:૩૦ વાગ્યે કચ્છના સરહદી વિસ્તારમાં સીમા સુરક્ષા દળની નવી 'જી-સાત' સીમાચોકીનું ઉદ્ઘાટન કરશે અને સરહદ પર તૈનાત જવાનો સાથે સંવાદ કરશે. ત્યારબાદ બપોરે તેઓ ઓપી ટાવર-૧૧૭૦ ખાતે કન્ટ્રોલરૂમનું બારીકાઈથી નિરીક્ષણ કરશે અને સંવેદનશીલ મનાતા હરામીનાળા વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે ૩:૦૦ વાગ્યાની આસપાસ બીએસએફ સેક્ટરના મુખ્ય મથકે સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાશે, જેમાં ભારત-પાક સરહદને વધુ અભેદ્ય અને સઘન બનાવવા અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવશે.

(ઉત્સવ વૈદ્ય)