પેરિસ: આજની પેઢી માટે મોબાઈલ ધીમે ધીમે એક દૂષણ બની રહ્યો છે, તેની નકારાત્મક અસરો બાળકોના વિકાસ, અભ્યાસ સહિતની બાબતોમાં દેખાઈ રહી છે. ત્યારે વિશ્વભરની શાળાઓમાં વધી રહેલા મોબાઈલ ફોનના ઉપયોગ અને તેની નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખીને યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમે એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ મુજબ, વર્ગખંડમાં ઘટતી જતી એકાગ્રતા અને સાયબર બુલિંગ જેવી ગંભીર સમસ્યાઓને કારણે વિશ્વના ૫૮ ટકા દેશોએ શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લાદી દીધો હોવાનું જાણવા મળ્યું હતું.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જૂન ૨૦૨૩માં જ્યારે આ બાબતનું પ્રથમવાર નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે માત્ર ૨૪ ટકા દેશોમાં જ આવો પ્રતિબંધ હતો, પરંતુ માર્ચ ૨૦૨૬ સુધીમાં આ આંકડો વધીને અંદાજે ૧૧૪ શિક્ષણ પ્રણાલીઓ સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે સરકારો હવે આ બાબતે વધુ સજાગ બની છે.
રિપોર્ટમાં મુજબ, છોકરાઓ કરતા છોકરીઓમાં ઈટિંગ ડિસઓર્ડર થવાની શક્યતા બમણી હોય છે, જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા છે. ઇન્સ્ટાગ્રામના પોતાના સંશોધનમાં બહાર આવ્યું છે કે ૩૨ ટકા કિશોરીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યા પછી પોતાના શરીર વિશે નકારાત્મકતાનો અનુભવે છે. તે સિવાય ટિકટોક જેવા પ્લેટફોર્મનું અલ્ગોરિધમ દર ૩૯ સેકન્ડે કિશોરોને બોડી ઈમેજ સંબંધિત કન્ટેન્ટ પીરસે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે.
વિવિધ દેશોમાં આ પ્રતિબંધના અમલીકરણની રીતો અલગ-અલગ છે. ફ્રાન્સ જેવા દેશોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ફોન પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં કોઈ રાષ્ટ્રીય પ્રતિબંધ નથી પરંતુ ૩૯ રાજ્યોએ સ્થાનિક સ્તરે નિયમો બનાવ્યા છે. કોમોરોસ, કોલંબિયા, એસ્ટોનિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોએ શાળાઓને પોતાની રીતે નીતિ ઘડવાની સ્વાયત્તતા આપી છે. ઘણી શાળાઓમાં ફોન માત્ર શૈક્ષણિક હેતુ અથવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જ માન્ય રાખવામાં આવે છે, જ્યારે અન્ય કિસ્સાઓમાં ફોન સ્વિચ ઓફ કરીને જમા કરાવી દેવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
આ જોખમોને જોતા ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, પોર્ટુગલ અને સ્પેન જેવા દેશોએ બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કાયદાકીય નિયંત્રણો લાદવા અંગે વિચારણા શરૂ કરી છે. ડેનમાર્ક અને ચેક રિપબ્લિક જેવા દેશોમાં પણ આ ગંભીર મુદ્દે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે, જેથી આવનારી પેઢીને ટેકનોલોજીની આડઅસરોથી બચાવી શકાય.