નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તેની તમામ ફેલોશિપ અને સ્કોલરશિપ યોજનાઓના વિતરણ માટે આધાર-આધારિત ચુકવણી (ABP) સિસ્ટમને ફરજિયાત બનાવવામાં આવી છે. હવેથી તમામ સ્કોલરશિપ અને ફેલોશિપની રકમ માત્ર આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતાઓમાં જ જમા કરવામાં આવશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) હેઠળ આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે તમામ લાભાર્થીઓએ તેમના બેંક ખાતામાં 'આધાર સીડિંગ' કરાવવું અનિવાર્ય રહેશે. જો કોઈ વિદ્યાર્થીનું ખાતું આધાર સાથે લિંક નહીં હોય અથવા પોર્ટલ પર વિગતો અપડેટ નહીં હોય, તો તેમની ચુકવણીમાં વિલંબ કે અટકાવ આવી શકે છે.
આ નવી વ્યવસ્થા મુજબ, વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ એન્ડ ફેલોશિપ મેનેજમેન્ટ પોર્ટલ (SFMP) પર 15 એપ્રિલ સુધીમાં આધાર સીડિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ, નોડલ અધિકારીઓએ ૨૦ એપ્રિલ સુધીમાં આ વિગતોને ચકાસવાની અને મંજૂર કરવાની રહેશે, જેથી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરી શકાય. વિદ્યાર્થીઓને તેમના બેંક ખાતા એક્ટિવ રાખવા અને પોર્ટલ પર નોંધાયેલી વિગતો સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાતી હોય તેની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) એ જાન્યુઆરી 2026 સત્ર માટે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) અને ઓનલાઈન કાર્યક્રમોમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ લંબાવીને 10 એપ્રિલ કરી દીધી છે. અગાઉ આ મુદત ૩૦ માર્ચ સુધીની હતી. આ છૂટછાટ માત્ર નવા ઉમેદવારો માટે જ લાગુ પડશે, જ્યારે સર્ટિફિકેટ કોર્સ અને સેમેસ્ટર આધારિત કાર્યક્રમો માટે આ મુદત વધારો લાગુ થશે નહીં.