Fri Sep 11 2026

Logo

પશ્ચિમ એશિયા કટોકટી: જો એલપીજીની કોઈ અછત નથી, તો પછી લાઈનો કેમ છે: ઉદ્ધવ ઠાકરે...

2026-03-17 05:26:00
Author: Vipul Vaidya
પશ્ચિમ એશિયા કટોકટી: જો એલપીજીની કોઈ અછત નથી, તો પછી લાઈનો કેમ છે: ઉદ્ધવ ઠાકરે...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પશ્ર્ચિમ એશિયા કટોકટી વચ્ચે એલપીજીની કોઈ અછત નથી તેવા કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારના દાવાઓ પર પ્રશ્ર્ન ઉઠાવ્યો અને પૂછ્યું કે જો આવું હોય તો સિલિન્ડર માટે લાઈનો કેમ જોવા મળી રહી છે. તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજ્યમાં એલપીજી કે ઇંધણની કોઈ અછત ન હોવા છતાં વિપક્ષ ખોટી માહિતી દ્વારા ગભરાટ ફેલાવી રહ્યું હોવાના નિવેદનની ઝાટકણી કાઢી હતી.  

જો (એલપીજી) પુરવઠો છે, તો પછી (સિલિન્ડર માટે) લાઈનો કેમ જોવા મળી રહી છે? મને માહિતી મળી છે કે મુંબઈમાં 30 થી 40 ટકા હોટલો એલપીજીની અછતને કારણે બંધ થઈ રહી છે. સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું. જો સરકાર દાવો કરે છે કે એલપીજી સિલિન્ડરની કોઈ અછત નથી, તો પછી લોકો તેને મેળવવા માટે કેમ સંઘર્ષ કરી રહ્યા છે, શિવસેના (એલપીજી)ના નેતાએ પૂછ્યું હતું. 

‘જો મુખ્ય પ્રધાન આવી પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર નથી, તો રાજ્યની પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ છે,’ તેમણે એવો આરોપ લગાવતા કહ્યું કે સરકારી તંત્ર ફડણવીસને જમીની વાસ્તવિકતા પહોંચાડવામાં નિષ્ફળ ગયું છે.તેમણે કહ્યું કે જ્યારે સત્તામાં રહેલા લોકો, પરિસ્થિતિને સમજ્યા છતાં, લોકોની વેદના સ્વીકારવા તૈયાર નથી અને કંઈ ખોટું નથી એવો દાવો કરવાનું ચાલુ રાખે છે ત્યારે તે ગંભીર બાબત છે.