Tue Jul 28 2026

Logo

દિલ્હીમાં ભારત અને પાકિસ્તાન મૂળના ક્રિકેટરોએ યુએઇને વિજય અપાવ્યો...

2026-02-13 19:13:00
Author: Ajay Motiwala
Article Image

PTI


નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે રવિવાર, 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ખરાખરીનો જંગ ખેલાવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે દિલ્હીમાં મૂળ આ બન્ને દેશના ખેલાડીઓએ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની ટીમને શુક્રવારે કૅનેડાને ટી-20 વર્લ્ડ કપની ગ્રૂપ-ડીની મૅચમાં રોમાંચક વિજય અપાવ્યો હતો. કૅનેડાએ બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં સાત વિકેટે 150 રન કર્યા હતા જેના જવાબમાં યુએઇએ 19.4 ઓવરમાં પાંચ વિકેટે 151 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

યુએઇની આ જીતમાં ખાસ કરીને ભારતીય મૂળના આર્યંશ શર્મા તથા સોહેબ ખાન તેમ જ પાકિસ્તાની મૂળના જુનૈદ સિદ્દિકના યોગદાન હતા. યુએઇએ આ ટૂર્નામેન્ટમાં બેમાંથી એક મૅચમાં વિજય મેળવ્યો છે અને પૉઇન્ટ્સ-ટેબલમાં ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા પછી ત્રીજા સ્થાને છે. કૅનેડા બન્ને મૅચ હાર્યું છે અને ચોથા નંબરના અફઘાનિસ્તાન પછી છેક પાંચમા ક્રમે છે.

પહેલાં તો કૅનેડા (CANADA)ને 7/150 સુધી સીમિત રખાવવામાં મૅન ઑફ ધ મૅચ પેસ બોલર જુનૈદ સિદ્દિકનું સૌથી મોટું યોગદાન હતું. ત્યાર બાદ યુએઇના 5/151ના સ્કોરમાં ઓપનર-વિકેટકીપર આર્યંશ શર્મા (74 અણનમ, 53 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને બિહારમાં જન્મેલા સોહેબ ખાન (51 રન, 29 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)નો સૌથી મોટો ફાળો હતો. કૅનેડાના બોલર સાદ બિન ઝફરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

રવિવારે ભારત-પાકિસ્તાન ટક્કર પર સમગ્ર વિશ્વની નજર રહેશે. જોકે અમેરિકા તેમ જ યુએઇ અને બીજા દેશોની ક્રિકેટ ટીમ કે જેમાં ભારત અને પાકિસ્તાની મૂળના ખેલાડીઓ સામેલ હોય છે એ દેશોની ટીમના કૅપ્ટનો હંમેશાં કહેતા હોય છે કે અમારી ટીમમાં ભારત-પાકિસ્તાન જેવું કંઈ જ નથી હોતું અને અમે બધા અમારી ટીમને જિતાડવાના આશયથી એક થઈને રમીએ છીએ. અમેરિકાની ટીમના કૅપ્ટન મોનાંક પટેલે તાજેતરમાં જ એક મુલાકાતમાં આવું કહ્યું હતું.