Wed Jun 24 2026

Logo

ટ્રમ્પ પોતાના મંત્રી પર ભડક્યા: ભારતના ટેરિફ મુદ્દે અમેરિકી સરકારના સત્તાવાર આંકડાને ગણાવ્યા 'બકવાસ'

Washington DC   2026-06-24 18:11:35
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકા પર લાદવામાં આવેલા ટેરિફના સત્તાવાર આંકડાઓ પર તેમના મંત્રી પર ભડક્યા હતા. તેમણે અમેરિકાની સરકારના સત્તાવાર આંકડાઓને ખોટા અને બકવાસ ગણાવ્યા છે. 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિક વચ્ચે ભારતના ટેરિફ અંગે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દાવો ન્યૂયોર્ક ટાઈમ્સના પત્રકારો મૈગી હેબરમેન અને જોનાથન સ્વાનની પુસ્તક "રેજીમ ચેન્જ: ઇનસાઇડ ધ ઇમ્પીરીયલ પ્રેસિડન્સી ઓફ ડોનાલ્ડ ટ્રમ્પ"માં કરવામાં આવ્યો છે.

ભારતના ટેરિફ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માનતા હતા કે ભારતે અમેરિકાના માલસામાન પર વધુ પડતો ટેરિફ લાદ્યો છે. તેઓ એ સ્વીકારવા તૈયાર નહોતા કે સરકારી રેકોર્ડમાં નોંધાયેલા આંકડા સાચા છે. ટ્રમ્પ માનતા હતા કે ભારતના ટેરિફ 175 ટકા કે તેથી વધુ છે.

જ્યારે અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા વ્યાપાર પ્રતિનિધિના સત્તાવાર આકંડાઓ બતાવ્યા  ત્યારે ટ્રમ્પ ગુસ્સે થયા હતા. ટ્રમ્પે કહ્યું કે તેમને ખોટી અને ગેરમાર્ગે દોરનારી જાણકારી આપવામાં આવી રહી છે. તેમણે વારંવાર સરકારી ડેટાને બકવાસ ગણાવીને ફગાવી દીધો હતો.

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ સરકારના અનેક અધિકારીઓ ભારતને વિશ્વના સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક માનતા હતા. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ભારતને "ટેરિફનો મહારાજા" પણ કહ્યો હતો. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ભારત કૃષિ ઉત્પાદનો પર સરેરાશ 37 ટકા અને કેટલાક ઓટોમોબાઈલ ઉત્પાદનો પર 100 ટકાથી વધુ ટેરિફ લાદી રહ્યું છે.

આ ચર્ચાઓ પછી ટ્રમ્પે તેમના "લિબરેશન ડે" અભિયાનના ભાગ રૂપે ભારત પર 25 ટકા વધારાનો ટેરિ લગાવ્યો હતો. ત્યારબાદ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. આનાથી ભારત પર કુલ યુએસ ટેરિફ 50 ટકા થયો અને બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધ્યો હતો.

ટેરિફ વિવાદે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોને અસર કરી હતી. અનેક પ્રતિનિધિમંડળની મુલાકાતો રદ કરવામાં આવી અને બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ભારત અને અમેરિકા ફેબ્રુઆરી 2026માં દ્વિપક્ષીય વેપાર કરારના માળખા પર સંમત થયા. 

આ કરાર હેઠળ બંને દેશો અનેક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા સંમત થયા. અમેરિકાએ ભારત પર લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફને દૂર કરવાની પણ જાહેરાત કરી. બંને દેશો હવે કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.