Mon Oct 05 2026

Logo

રાજકોટ મેટોડા જીઆઈડીસી પાસે ટ્રક-રીક્ષાનો અકસ્માત, બે સગાભાઈઓ સહિત ચારનાં મોત

2026-03-04 12:56:00
Author: Mayur Patel
રાજકોટ મેટોડા જીઆઈડીસી પાસે ટ્રક-રીક્ષાનો અકસ્માત, બે સગાભાઈઓ સહિત ચારનાં મોત

રાજકોટઃ જિલ્લામાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  મેટોડા જીઆઇડીસી ગેટ નંબર 3 પાસે પેસેન્જર રીક્ષા અને ટ્રક વચ્ચે  અકસ્માત થયો હતો. અકસ્માતમાં સ્થળ પર ત્રણના મોત થયા હતા જ્યારે એકનું સારવારમાં મોત થયું હતું. અકસ્માત બાદ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક મુકીને ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે  ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

મળતી વિગત પ્રમાણે, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલી મેટોડા GIDC ગેઇટ નંબર 3માં આવેલ યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા  રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.ઓટો રિક્ષામાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક મળી કુલ 3 મુસાફરો બેઠા હતા. જે તમામ અને રિક્ષા ચાલક મળી કુલ ચાર લોકોના મોત થયા હતા.

મૃતક રિક્ષા ચાલક એક બેન ત્રણ ભાઇમાં મોટો હતો. તેને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું હતું. જેણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો હતો.જ્યારે બે સગા ભાઈઓ સુરેન્દ્રનગરના વતની હતા અને પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસમાં પેઇન્ટિંગ કામ કરતા હતા. 

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ડ્રાયવરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.