Mon Sep 14 2026

Logo

બંગાળની ચૂંટણીમાં થયો 'ખેલ'?: 31 બેઠકનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગાજ્યો, ટીએમસીએ કર્યો ચોંકાવનારો દાવો

2026-05-11 17:28:59
Author: Devayat Khatana
બંગાળની ચૂંટણીમાં થયો 'ખેલ'?: 31 બેઠકનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ગાજ્યો, ટીએમસીએ કર્યો ચોંકાવનારો દાવો

 નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીમાં તત્કાલિન મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સહિત તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ મામલે ટીએમસી કેન્દ્ર સરકાર પર નારાજ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મતદાર યાદીમાં થયેલા ફેરફારો (એસઆઈઆર) અને 31 બેઠકોનો મુદ્દો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. 

અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પોતાની રજૂઆત કરતા દાવો કર્યો હતો કે, મતદાર યાદીના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) દરમિયાન મોટા પાયે નામો કાઢી નાખવામાં આવ્યા હતા, જેની સીધી અસર રાજ્યની અનેક વિધાનસભા બેઠકોના પરિણામો પર પડી છે. ટીએમસી વતી વરિષ્ઠ વકીલ કલ્યાણ બંદોપાધ્યાયે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચ સમક્ષ દલીલ કરી હતી કે, ચૂંટણી પ્રક્રિયામાં થયેલી આ ગરબડને કારણે અનેક બેઠકો પર હાર-જીતનું ગણિત બદલાઈ ગયું છે. 

કલ્યાણ બંદોપાધ્યાયે કોર્ટમાં ચોંકાવનારા આંકડા રજૂ કરતા દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળની 31 બેઠક એવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતનું અંતર અને મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા મતદારોની સંખ્યા કરતા પણ ઓછું છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું હતું કે એક બેઠક પર ઉમેદવાર માત્ર 862 મતોથી હારી ગયા હતા, જ્યારે તે જ બેઠક પર તપાસના નામે 5,432થી વધુ લોકોના નામો યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. 

ટીએમસીએ દાવો કર્યો છે કે બંને પક્ષો વચ્ચે મતોનું અંતર આશરે 32 લાખ છે, જ્યારે અપીલીય ટ્રિબ્યુનલ સમક્ષ 35 લાખ જેટલી અપીલો હજુ પણ પેન્ડિંગ છે. આ સંજોગોમાં ન્યાયિક તપાસની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે ટીએમસીની દલીલો સાંભળ્યા બાદ આ મામલે જરૂરી દસ્તાવેજો અને વિગતો સાથે અલગથી ઇન્ટરલોક્યુટરી એપ્લિકેશન દાખલ કરવા સૂચના આપી છે. જસ્ટિસ બાગચીએ નોંધ્યું હતું કે, જો નામો કાઢી નાખવાને કારણે પરિણામો પર વ્યાપક અસર પડી હોય, તો તેની તપાસ માટે વિધિવત અરજી જરૂરી છે. 

બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ પેન્ડિંગ અપીલોના નિકાલ માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી રિપોર્ટ માંગશે જેથી સમયમર્યાદા નક્કી કરી શકાય. બીજી તરફ, હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ટી.એસ. શિવજ્ઞાનમ દ્વારા ટ્રિબ્યુનલમાંથી રાજીનામું આપવાની બાબતને પણ કોર્ટના ધ્યાને લાવવામાં આવી હતી. હાલ આ મામલાની વધુ સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે.