Fri Jun 19 2026

Logo

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ બ્રિજ 5 દિવસ રહેશે બંધ

2026-06-03 11:43:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીના કારણે અમદાવાદના વ્યસ્ત એવા અનુપમ બ્રિજ 5 રાત માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બ્રિજ 3, 5, 10, 13 અને 14 જૂન 2026ના રોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.

બ્રિજ પર બુલેટ ટ્રેનના રૂટ માટે ભારેખમ સ્ટીલ ગર્ડર લગાવવાનું કામ થશે. ક્રેન અને ભારે મશીનોના ઉપયોગ વખતે લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

સવારે 5 વાગ્યા પછી બ્રિજને ફરીથી વાહનો મોટે ખોલવામાં આવશે. રાત્રિના સમયે મુસાફરી કરતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અને અગાઉથી પોતાનું આયોજન કરી લેવા અપીલ કરવામાં આવી  હતી.

ઉલ્લેખનીય છે કે, દેશની પહેલી બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027થી ટ્રેક પર દોડવા લાગશે. આ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. સ્ટેશન તથા ટ્રેકને તૈયાર કરવામાં આવી રહ્યા છે. નમો ભારત જેવી ટ્રેન જેવો લૂક આ ટ્રેનનો રાખવામાં આવ્યો છે. બહારના લૂકને હાઈટેક બનાવવાની સાથે ટ્રેનની બાહર ભારતીય સંસ્કૃતિની એક ઝલક પણ જોવા મળશે. રેલવે મંત્રાલયના રિપોર્ટ અનુસાર શરૂઆતમાં કુલ 8 કોચ લગાવવામાં આવશે. એટલું જ નહીં, પ્રવાસીઓની સંખ્યા વધશે ત્યારે વધારાના બીજા કોચ પણ લગાવવામાં આવશે. ટ્રેનમાં પણ પ્રવાસીઓને એરલાઈન્સ જેવી ફીલ આવશે. આરામદાયક સીટથી લઈને આધુનિક સુરક્ષા સિસ્ટમ સેટ કરવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ભારતીય રેલ વિભાગ તથા મંત્રાલયના અપગ્રેડેશની દિશામાં એક માઈલસ્ટોન સમાન છે. 

મુંબઈથી અમદાવાદ બેથી અઢી કલાકમાં પહોંચાશે

ખાસ વાત એ છે કે બુલેટ ટ્રેનથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર લગભગ બેથી અઢી કલાકનું રહેશે. સામાન્ય ટ્રેનમાં આ અંતર કાપતા ટ્રેનને 6થી 7 કલાકનો સમય લાગે છે. આનાથી અમદાવાદથી મુંબઈ જતા અને મુંબઈથી અમદાવાદ આવતા યાત્રીઓને મોટી રાહત થશે. સમયની બચત થશે. શરૂઆતના તબક્કામાં આ બુલેટ ટ્રેન 300 કિમી/કલાકની સ્પીડથી દોડશે, જ્યારે ટ્રેનની મહત્તમ સ્પીડ 320ની છે. આ બુલેટ ટ્રેન ભારતની અત્યાર સુધીની સૌથી ફાસ્ટ ટ્રેન હોવાનું માનવામાં આવે છે. હાઈસ્પીડ અને આધુનિક ટ્રેકિંગ સિસ્ટમના કારણે યાત્રા વધારે સુરક્ષિત થશે અને સમયની પણ બચત થઈ જશે. આ ઉપરાંત ટ્રેનમાં સફર આરામદાયક રહે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.