Wed Sep 23 2026

Logo

બ્રાન્ચ ઑફિસ બંધ કરતાં 500 કર્મચારી બેકાર: આઈટી ફર્મના સીઈઓની ધરપકડ

2026-06-03 18:38:00
Author: Yogesh C. Patel
બ્રાન્ચ ઑફિસ બંધ કરતાં 500 કર્મચારી બેકાર: આઈટી ફર્મના સીઈઓની ધરપકડ

પુણે: પુણેના પિંપરી-ચિંચવડમાં કંપનીની ડિવિઝનલ બ્રાન્ચ ઑફિસ એકાએક બંધ કરવામાં આવતાં 500 જેટલા કર્મચારી નોકરી વિહોણા થઈ ગયા હતા. આ પ્રકરણે પોલીસે નોઈડાની આઈટી કંપનીના સીઈઓની ધરપકડ કરી હતી.થિંકટેક ઈન્ડિયા ઓપીસી પ્રા. લિ.ની હિંજેવાડી વિસ્તારમાં બ્રાન્ચ ઑફિસ હતી. આ ઑફિસ કર્મચારીઓને કોઈ પણ પ્રકારની પૂર્વસૂચના વિના 22 એપ્રિલે બંધ કરી દેવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદને આધારે હિંજેવાડી પોલીસે મંગળવારની રાતે નાશિકમાંથી આઈટી ફર્મના સીઈઓ હર્ષલ ઠાકરેને તાબામાં લીધો હતો. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને 3(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, એવું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.આઈટી કંપનીના મૅનેજમેન્ટ પર કર્મચારીઓનો પગાર રોકી રાખવો, વટી શકે નહીં તેવા ચેક આપવા અને નિયુક્તિ સમયે કર્મચારીઓ પાસેથી લૅપટોપ સિક્યોરિટી માટે ભંડોળ ભેગું કરવાનો આરોપ છે, એમ પોલીસનું કહેવું છે.

હિંજેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર બાલાજી પાંઢરેએ જણાવ્યું હતું કે આ મામલે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને નાશિકથી તાબામાં લેવાયો હતો. કંપની બંધ કરવાનાં કારણોની તપાસ અમે કરી રહ્યા છીએ.નોકરી ગુમાવનારા કર્મચારીઓનાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે અને આર્થિક છેતરપિંડીની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ પાંઢરેએ જણાવ્યું હતું.

કર્મચારીઓએ પોલીસ અને મહારાષ્ટ્ર લેબર કમિશનર ઑફિસને પત્ર લખીને તેમનાં બાકી લેણાં વસૂલ કરવા સંબંધી અને મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી. (પીટીઆઈ)