Thu Jun 25 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે ફ્લાઈટ્સ માત્ર 200 મીટરના અંતરે આમને-સામને આવી ગઈ!

2026-06-25 11:17:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: ગુજરાતના અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે સાંજે એક મોટી વિમાન હોનારત થતાં-થતાં રહી ગઈ છે. એર ઈન્ડિયાની એક ફ્લાઈટે લેન્ડિંગ બાદ ટેક્સિંગ દરમિયાન અજાણતા ખોટો ટર્ન લઈ લીધો હતો, જેના કારણે તે રનવે પાસે મુંબઈ જવા માટે તૈયાર ઊભેલી ઈન્ડિગોની ફ્લાઈટની બિલકુલ સામે આવી પહોંચી હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે સમય રહેતા બંને વિમાનોને રોકી લેવામાં આવ્યા હતા, જેથી મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

માત્ર 200 મીટરનું જ અંતર બાકી હતું

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે આશરે 06:30 વાગ્યે મુંબઈ જનારી ઈન્ડિગોની ફ્લાઈટ અમદાવાદથી ટેક-ઓફ્ફ કરવાની તૈયારીમાં હતી. આ જ સમયે મુંબઈથી જ ફ્લાય કરીને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાર્કિંગ બે તરફ જઈ રહી હતી. પરંતુ રસ્તો ભૂલવાને કારણે એર ઈન્ડિયાના પાઇલટે એક ખોટો વળાંક લીધો અને વિમાન એ જ ટેક્સીવે પર પહોંચી ગયું જ્યાં ઈન્ડિગોનું વિમાન પહેલાથી જ એન્જિન સ્ટાર્ટ કરીને ઊભું હતું.

આ ગંભીર પરિસ્થિતિ જોતા જ એટીસીએ પળવારનો પણ વિલંબ કર્યા વિના બંને વિમાનોના પાઇલટ્સનો સંપર્ક કર્યો હતો અને ફ્લાઈટ્સને ત્યાં જ બ્રેક મારવા આદેશ આપ્યો હતો. જ્યારે બંને એરક્રાફ્ટ રોકાયા ત્યારે તેમની વચ્ચે માત્ર આશરે 200 મીટર જેટલું જ અંતર બચ્યું હતું. એટીસીની આ સુઝબુઝને કારણે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણ સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. બાદમાં એર ઈન્ડિયાના વિમાનને ટોઇંગ કરીને સાચા પાર્કિંગ બે સુધી લઈ જવામાં આવ્યું હતું.

એર ઈન્ડિયા અને ઈન્ડિગોનું સત્તાવાર નિવેદન

આ મોટી લાપરવાહી સામે આવ્યા બાદ એર ઈન્ડિયાએ પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. એરલાઇને સ્વીકાર્યું છે કે, 24 જૂનના રોજ મુંબઈથી અમદાવાદ પહોંચેલી તેમની ફ્લાઈટ લેન્ડિંગ પછી ટેક્સિંગ દરમિયાન ભૂલથી બીજી દિશામાં વળી ગઈ હતી. જો કે, કંપનીએ દાવો કર્યો છે કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા સાથે કોઈ સમાધાન થયું નહોતું અને આ ઘટના અંગે ઉડ્ડયન નિયામક સત્તાધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

બીજી તરફ, ઈન્ડિગો એરલાઈન્સે પણ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, અન્ય એરલાઈનનું વિમાન ખોટી દિશામાં આવી ગયું હતું, ત્યારબાદ બંનેને સુરક્ષિત અંતરે રોકવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાની ફ્લાઈટને ત્યાંથી હટાવ્યા બાદ જ ઈન્ડિગોની ફ્લાઈટે અમદાવાદથી ઉડાન ભરી હતી અને તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગઈ હતી.