Thu Jun 25 2026

Logo

ફોકસઃ હોશિયાર મારવાડણ...

2026-06-25 09:49:00
Author: Zubayda Valiani
Article Image

ઝુબૈદા વલિયાણી

ગામડામાં સાપ-વીંછી તો નીકળતા જ રહે.
- એક દિવસ એક મારવાડણ મોરીમાં નાહતી હતી
- ત્યાં એણે વીંછી જોયો.
- દીવાનું કોડિયું બાજુમાં હતું તે એના પર મૂકી દીધું.
- નાહી-ધોઇ બહાર આવીને વીંછીને ભૂલી ગઇ!
- દિવસભર કામકાજમાં સમય કયાં નીકળી ગયો અને કયાં રાત પડી એ જ એને ખબર ન પડી. 

- એ જ રાત્રે, થયું એવું કે ચોર એના ઘરમાં પેઠા. 
- મારવાડી-મારવાડણને ખબર પડી, પણ બૂમ-બરાડા પાડે તો ચોર ખંજર કે ચાકુ હુલાવી દે.
- બન્ને વિચારમાં પડી ગયા.
- મારવાડીએ પત્ની મારવાડણને ઇશારત કરી કે બન્ને ઝટ ઘરમાંથી ભાગી જઇએ.

- પણ ફરી એ જ ડર લાગ્યો.
- ચોર ઘા કરે તો ?
એવામાં મારવાડણને યાદ આવી કોડિયાવાળા સવારની વાત
- એણે ચૂપચાપ મારવાડીને સમજાવી દીધો ને પછી મોટેથી બોલી.

- અરેરે, હું તો મારી કિંમતી હીરાઓની વીંટી-બુટી નાહવા ગઇ ત્યાં જ મોરી પાસે છોડી આવી, લાવ લઇ આવું.

- પછી જરામાં રીકાઇને ફરી બોલી.
- આમ પણ રાત્રે વળી કોણ આવવાનું છે અને આવે તો ય શું, ચોરને કયા ખબર પડશે કે કોડિયાની નીચે હીરાનો મોંઘો દાગીનો છે. કાલે સવારે લઇ આવીશ.
- મારવાડી પણ ... વિચારમાં પડી ગયો. આ વળી શું કહે છે?

- એને તો ખબર ન હતી કે કોડિયાની નીચે વીંછી છે, પણ એટલું તો સમજી ગયો કે કાંઇક વિચારીને મારવાડણ આમ બોલે છે.
- ચોર બધી વાત સાંભળતો હતો.
- એણે વિચાર્યું કે, ‘લાવને બહારથી જ દાગીના લઇને હું ભાગી જાઉં, શાને માટે ઝંઝટ માથે વહોરી લેવી.

- ત્યાં પહોંચીને ચૂપચાપ અંધારામાં કોડિયું શોધવા લાગ્યો અને જેવું ફંફોસતા ફંફોસતા કોડિયાને હાથ લંબાવ્યો ને કોડિયું ઊંચકી લીધુ ને વીંટી-બુટ્ટી લેવા હાથ જેવો લંબાવ્યો કે વીંછીએ જોરથી ડંખ માર્યો.

- ‘ઓ મારે, મરી ગયો રે...!’
- એની બૂમ સાંભળીને સૌ આજુબાજુના લોકો ભેગા થઇ ગયા.
- પાસ-પાડોશીઓએ ભેગા મળી ચોરની ખૂબ ધોલાઇ કરી, બહુ મેથીપાક આપ્યો.

-બધાના મારથી ચોર બિચારો અધમૂવો થઇ ગયો અને જાતે જ બબડ્યો. ‘ચોરની  પોટલે ધૂળની ધૂળ.’
બધા પાસ-પાડોશીઓએ એ મારવાડણની હોશિયારીના ખૂબ વખાણ કર્યાં ને આખા ગામ કસ્બાની સૌની તે લાડકી બની ગઇ.

- કાઠીયાવાડ-સૌરાષ્ટ્ર, ગુજરાતની પાવન ધરતી પર આવી તો અનેક સ્ત્રીઓ ઇતિહાસ બની ગઇ, જેની બુદ્ધિ-ચતુરાઇને બિરબલ સાથે સરખાવી છે.

- અત્રે નોંધવું ઉચિત બની રહેશે કે આ લખનાર પણ ગીર પ્રદેશમાં આવેલ એક નાનકડા ગામ ચિત્રાવડનો છે અને જન્મથી લઇ લગ્ન સુધીનાં એ વિતાવેલા દિવસો જિંદગીનું સંભારણું બની રહ્યાં છે, માટીની મહેક પ્રસરાવી રહ્યાં છે.

સ્થિતપ્રજ્ઞ બનો
મનને સમતોલ રાખો...
દરેક અનુભવનો જીવનમાં તે જે રીતે આવે-સારી કે નરસી તે રીતે તેનો સ્વીકાર કરો.
- રોદણાં રડશો નહીં,
- ફરિયાદ કરશો નહીં
- દિલગીર થશો નહીં
- આનંદિત પણ થશો નહીં
- ધૈર્ય ધરજો.
- તમે મનમાં ને મનમાં બળ્યા કરશો તો દુ:ખને આમંત્રણ આપશો.
- આ અરસપરસ સંબંધવાળી ધરતીની સપાટી પર, ક્રિયા અને પ્રતિક્રિયા થયા જ કરે છે.