Wed Apr 22 2026

Logo

બદલાપુર લોકલને 'રોંગ સિગ્નલ' આપવાનું સ્ટેશન માસ્ટરને ભારે પડ્યું, રેલવેએ કરી મોટી કાર્યવાહી

2026-04-22 15:15:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનના ઓપરેશનમાં સોમવાર પછી મંગળવારે ભયાનક હોનારત  ટળી ગઈ હતી. મધ્ય રેલવેના ડોંબિવલી સ્ટેશનમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ થયું હતું, જ્યારે મંગળવારે સીએસટી સ્ટેશને એક જ રેલવે ટ્રેક પર બે ટ્રેન જોવા મળી હતી. સમયસૂચક ટ્રેનના મોટરમેન સુરક્ષિત બે ટ્રેન વચ્ચે રાખ્યું હતું, પરંતુ આ બનાવમાં મોટી બેદરકારીનું નિર્માણ થયું હોત તો મુંબઈ રેલવે માટે મંગળવારનો દિવસ લોહિયાળ સાબિત થઈ શક્યો હતો. મોટરમેનની સમયસૂચકતાથી હોનારત ટળી ગઈ છે, પરંતુ રોંગ સિગ્નલની ભૂલ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી છે, જે બદલ સ્ટેશન માસ્ટરને સસ્પેન્ડ કર્યો છે, જ્યારે તપાસ પણ હાથ ધરી છે.

મંગળવારે બપોરે 3.15 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. બદલાપુરની લોકલ ટ્રેન પ્લેટફોર્મ નંબર ચાર જવાની હતી, પરંતુ રોંગ સિગ્નલને કારણે એને પાંચ નંબરના પ્લેટફોર્મ પર મોકલી દેવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે પાંચ નંબરના પ્લેટફોર્મ પર ઓલરેડી એક ટ્રેન તો હતી. આ બાબતની સિગ્નલ આપનારને જાણ નહોતી, પરંતુ બદલાપુરના લોકો પાઈલટને જાણ થયા પછી સેફ મોડમાં લોકલ ટ્રેનને રોકી દીધી હતી. 
જોકે, ઘણા સમય સુધી ટ્રેનને રોકી દેવામાં આવ્યા પછી સેંકડો પ્રવાસીઓ ટ્રેક પર ઉતરી ગયા હતા. એક પછી એક ટ્રેન મસ્જિદ બંદર સુધી સ્ટોપ કરી દેવામાં આવી હતી. અમુક પ્રવાસીઓ ટ્રેક પર ચાલીને મસ્જિદ બંદર પહોંચ્યા હતા, જ્યારે સીએસટી જનારા પ્રવાસીઓ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ મોટરમેનની સમસસૂચકતાથી મધ્ય રેલવે મોટી હોનારતમાંથી ઉગરી ગયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એક ભૂલને કારણે સેંકડો લોકોના જીવ પડિકે બંધાયા હતા, જ્યારે મધ્ય રેલવેનું ઓપરેશન સેન્ટર પણ હરકતમાં આવી ગયું હતું. આ બનાવ પછી પાંચથી આઠ નંબરના પ્લેટફોર્મ પરથી લોકલ ટ્રેનની અવરજવર હંગામી ધોરણે બંધ કરી હતી. બદલાપુર લોકલને પણ થોડી પાછળ લઈ જઈને મેઈન ટ્રેક લાવ્યા હતા. આ પ્રક્રિયા પાર પાડવામાં મેઈન લાઈનની લોકલ ટ્રેનસેવા ખોરવાઈ ગઈ હતી. આ અગાઉ સોમવારે પણ મધ્ય રેલવેમાં ડોંબિવલીમાં કલવાથી કલ્યાણ જઈ રહેલા ખાલી રેકનું ડિરેલ થઈ હતી, જેના કારણે પણ મુંબઈની ટ્રેનસેવા ખોરવાઈ હતી.

ઓડિશામાં રોંગ સિગ્નલે લીધો હતો 290 ભોગ
સીએસટી સ્ટેશન નજીકના રોંગ સિગ્નલની ઘટનાએ ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલા રેલ અકસ્માતની ઘટના તાજી કરી નાખી છે. ખોટા સિગ્નલને કારણે લૂપલાઈનમાંથી નીકળેલી કોરોમંડલ એક્સપ્રેસ સામે છેડે ઊભી રહેલી ગૂડ્સ ટ્રેનને ટકરાઈ ગઈ હતી, એના પછી સામેથી આવી રહેલી યશવંતપુર એક્સપ્રેસ હાવડા ટ્રેનની ટકરાઈ હતી. ભારતીય રેલવેમાં ટ્રિપલ ટ્રેનના અકસ્માતમાં લગભગ 290 લોકોનો ભોગ લેવાયો હતો. અકસ્માતની તપાસમાં રોંગ સિગ્નલ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં ખામીનું પરિબળ જવાબદાર હતું.