Wed Aug 19 2026

Logo

મોજની ખોજઃ કથાની પ્રથા... પ્રથાની વ્યથા

2026-08-11 10:11:00
Author: Subhash Thaker
Article Image

સુભાષ ઠાકર

અમારું આખું કુટુંબ ભારતનું હોવા છતાં ક્યારેય કોઈએ મહાભારત વાંચ્યુ નથી. પૂછો કેમ? કેમ કે અમારું કુટુંબ વાંચવા કરતા ખેલવામાં વધુ માને છે. જે પ્રસંગ પ્રેક્ટિકલ થતો હોય તો કોણ આવા ગ્રંથ પર નજર નાખે? ઘરનાં બધાં પાત્રો પાત્રતા વગરજ પોતાની જાતને અર્જુન સમજે ને સામેના પાત્રો કૌરવો. લોકવાયકા તો એવી ફેલાઈ છે કે ચોથા વિશ્વયુદ્ધનો પ્રારંભ મારા ઘરેથી થશે.. આવો આખી વાત જણાવું.

...એ દિવસે અમારા વચલાની સગાઈના દિવસે વેવાઈ-વેવાણ ફાઈનલ કરવા આવેલા ત્યારે મેં પૂછ્યુ ‘વેવાઈ, અમારી ભાવી પુત્રવધુ ગગીને થોડા સવાલ કરવા છે.’

‘હા પણ એ નથી આવી. જે પૂછવું હોય એ અમને પૂછો. તમારી કોઈ માગણી હોય તો...’ વેવાઈ બોલ્યાં.
‘ના ભાઈ ના, કોઈ માગણી નથી. અમારે તો છોકરી ઘર સાચવે એટલે ઘણું.’
‘અરે વેવાઈ, ઘર તો શું, આખી સોસાયટી સાચવશે.’
‘તમે બાફો નઈ!’ વેવાણ તરત જ વેવાઈના કાનમાં બોલ્યાં.

‘મને પણ ખબર છે કે આપણી ગગી આખું ગામ સાચવે એવી છે પણ અત્યારે બચેલી આબરૂના ધજાગરા ન કરો, પ્લીઝ.’
ત્યાં મેં પૂછ્યું: ‘વેવાઈ ભૈયા, તમારી ગગીને રામાયણ ને મહાભારત વિશેનું જ્ઞાન કેટલું?’
‘એને રામાયણ આખું કંઠસ્થ છે ને મહાભારત તમારા ઘરમાં આવ્યા પછી ન કરે તો મને મોબાઈલ કરજો.’
‘ઓકે?’ એટલું બોલી વેવાઈ-વેવાણ નીકળી ગયાં. હું રાજી થયો. ચાલો, રામાયણ તો મોઢે છે. વહુ ધાર્મિક ભાવનાવાળી મળી. અમારા ગગાને લવ હતો એટલે ગગીની પધરામણી કરી.

જોતજોતામાં પાંચ વર્ષ તો ટકાટક ગયા પણ હમણાં ગગીના મનમાં અચાનક ધાર્મિક ભાવના પ્રગટી ને પરિવારને ભેગા કરી બોલી ‘જુઓ, બધા ધ્યાનથી સાંભળો. આપણા પરિવારમાં વિચારોમાં બહુ જ મતભેદ છે, પણ હવે ઘરનો કંકાશ ભયજનક સપાટી વટાવી ગયો છે એટલે વિચાર્યું કે પરમ દિવસથી શ્રાવણ શરૂ થશે ત્યારે સોસાયટીમાં આપણા તરફથી રામાયણ બેસાડીએ. એ માટે કથા જગતનું બહુ મશહુર નામ અસત્યનારાયણ શાસ્ત્રી છે. આપણા પરિવારનું નામ પણ રોશન કરશે.’

‘અરે, આપણા પરિવારનું નામ ‘ઠાકર’ છે એ બરાબર છે તારે એનું નામ બદલી ‘રોશન’ શું કામ કરવું છે?’ ગગાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું પણ પરિવારે મૌન ધારણ કર્યું.
બીજા દિવસે ગગીએ ગગાને કીધું: ‘અરે તમે આમ સ્ટેચ્યૂની જેમ ઊભા છો શું? પેલા શાસ્ત્રી પાસે મુહૂર્ત જોવડાવી બધાને કથાનું આમંત્રણ આપી દો.’

તુરતજ મેં ફોન જોડ્યો: ‘હલ્લો અસત્યનારાયણ શાસ્ત્રીજી? તમે કાલે મળી શકશો?’
ને બીજા દિવસે શાસ્ત્રીજી પ્રગટ થયાં.
‘પધારો.. પધારો.. વેલ કમ.’ ગગી આવકારો આપી બોલી.
‘જુઓ શાસ્ત્રીભૈયા, પરમ દિવસે શ્રાવણ બેસે છે એટલે અમારે આપ જેવા જ્ઞાનીની રામાયણ બેસાડવી છે.

આધ્યાત્મિક ભક્તો શ્રાવણની કથાનું શ્રવણ કરી હૃદય પવિત્ર કરે. અને અમારા ઘરમાં પણ જે મહાભારતનું તાંડવ રચાય છે એ પણ શાંત થાય. હવે કથા શરૂ કરતા પહેલાં મૂળ વાત સાંભળી લો. નો ચીલાચાલુ રામકથા, દશરથ પાસે કૈકેયીએ ત્રણ વરદાન માગવાં, રામ ધનુષ્યબાણ તોડી સીતા મેળવે, પછી રામ લક્ષ્મણ જાનકીનો વનવાસ, રાવણ દ્વારા મા સીતાને હાઈજેક કરવા, રામ-રાવણનું યુદ્ધ, હનુમાનની એન્ટ્રી. 

પેલી શબરી રામની રાહ જુવે...આ બધા આઉટ ડેટેડ ઇન્સિડન્સ છે. સમજ્યા? આ બધું સાંભળી સાંભળી આદ્યાત્મિક ભક્તોના કાન પાકી ગયા છે. અને એ બધુ વિચારી વિચારી મારું મગજ પણ થાકી ગયું છે. એવું હોય તો દક્ષિણા બે હજાર વધુ લેજો પણ કઈક હટકે લાવો, કઇંક થ્રિલ બોસ. જુઓ, હું સમજાવું. તમે રામને ચૌદના બદલે સત્તર વર્ષનો વનવાસ કરાવો, લોકો વિચારવા લાગે હવે શું થશે? સાંભળવા બેઠેલા શ્રોતાઓ મોઢામાં આંગળી નાખી બોલી ઉઠશે ‘લાયા બાપુ લાયા’ જામો પડી જશે જામો. આપણી ગેરંટી.’

‘જામો ન પડે, લોકો મને પાડી દે !’ શાસ્ત્રીજીના ચહેરા પર આશ્ચર્યના 747 હાવભાવ પ્રગટ થયા. ‘જુઓ, મારે રામ કે રાવણ પરિવાર સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. અમારી પેઢીઓથી કોઈને રૂબરૂ મળ્યા નથી, સોરી, મને આવી ડિફરંટ કથા ન ફાવે...’

‘અરે શું ન ફાવે? યુ નો? મારા પિયરમાં જ્યારે ભાગવત બેસાડેલી ત્યારે કથાકારે કૌરવ પાંડવનું યુદ્ધ અઢારના બદલે નેવું દિવસ ચલાવેલું. રોજના દસ કૌરવોના સંહાર લેખે દસ દિવસ તો એમાં જ પસાર થયા. એક દિવસ તો કંસની જગ્યાએ રાવણનો સંહાર પણ બતાડેલો. ડેરિંગ જુઓ.’

‘બા..પ..રે, રાવણનો સંહાર! ભાગવત સપ્તાહમાં? કોઈ કશું બોલ્યું નઈ?’
‘કોઈ શું બોલે? પૈસા મારા બાપુ ખર્ચતા હતાં એટલે બાપુ કહે એમ કથાકારે કરવું પડે. તમને હજી નોવેલ્ટી બતાવું?
‘મારું માનો તો ઉર્મિલાને પણ વનમાં લઇ આવો. જુઓ, પછી કથા બેસાડવા લાઈન લાગશે લાઈન.’

‘અરે લાઈનની ક્યાં માંડો છો લોકો મને ઘરે બેસાડી દેશે. આવી કથાની પ્રથા શરૂ કરું તો મારી કેટલી વ્યથા ચાલું થઇ જાય? એ ખબર છે? જુઓ, તમને બીજો કોઈ કથાકાર મળતો હોય તો...’
‘તો તમને શું કેરમ રમવા બેસાડીએ? અને હવે એન્ડ ટાઈમે અમને કોણ મળે?. તમે જ થોડું અલગ વિચારો, મહેનત કરો. તમારું નામ થઈ જશે.’

‘અરે મારી મા..નથી જોઈતું નામ. હું કથાની પ્રથા તોડું તો લોકો મને તોડી નાખે ને મારી શાસ્ત્રીણી કારણ વગર વિધવા બની જાય, પછી તમે સાચવશો? છતાં વિચારવા થોડો સમય આપો, હું તમને જણાવીશ.’ ને શાસ્ત્રીજી નીકળી ગયા. શું કહો છો?