ભરત ભારદ્વાજ
ઑપરેશન સિંદૂરમાં શહીદ થયેલા વીર ભારતીય જવાનોનાં નામ વરસ પછી જાહેર કરવાનો વિવાદ જોરશોરથી ચાલી રહ્યો છે. આ વિવાદમાં શહીદો સાથે સંકળાયેલી બીજી એક આઘાતજનક વાત વિશે આજે વાત કરવી છે કેમ કે આ મુદ્દે મોદી સરકાર સાવ ચૂપ છે.
ઑપરેશન સિંદૂરમાં શહીદ થયેલા વીર જવાનોમાં એક નામ અગ્નિવીર એમ મુરલી નાઈકનું પણ છે. અગ્નિવીર એમ મુરલી નાઈક 2025માં નવ મેના રોજ ઑપરેશન સિંદૂર દરમિયાન પૂંચ સરહદે પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારમાં શહીદ થયા હતા.
મુરલીનાં વૃધ્ધ માતા-પિતાએ પોતાને પેન્શન તથા હેલ્થકેર સહિતના લાભો મળે એ માટે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવી પડી છે. આ સરકાર મુરલીનાં વૃદ્ધ માતા-પિતાને પેન્શન, હેલ્થકેર સહિતના લાભો આપવાનો ઈનકાર કરી રહી છે કેમ કે અગ્નિવીરની નોકરીના નિયમોમાં પેન્શન સહિતના લાભો સામેલ નથી.
હાલના નિયમો પ્રમાણે અગ્નિવીર કે તેના પરિવારને સેવા પૂરી થયા પછી અથવા સેવા દરમિયાન મૃત્યુના કિસ્સામાં કોઈપણ પ્રકારના પેન્શન કે આજીવન પરિવાર કલ્યાણ લાભો નથી મળતા. સામાન્ય સૈનિકોને લશ્કરમાં ભરતી થતાં જ પેન્શન અને ગ્રેચ્યુઇટી સહિતના તમામ લાભો મળે છે જ્યારે અગ્નિવીરોને ચાર વર્ષના અંતે ફક્ત એક વાર ‘સેવા નિધિ’ ભંડોળ મળે છે.
ફરજ દરમિયાન માર્યા ગયા હોય તો પણ મર્યાદિત મૃત્યુ વળતર પેકેજ મળે છે પણ તેના આધારે શહીદનો પરિવાર આખી જિંદગી ના કાઢી શકે. અગ્નિવીર નિવૃત્ત થાય ત્યારે પેન્શન કે બીજા લાભો ના આપો તો હજુ માફ છે પણ દેશ માટે શહીદ થાય ત્યારે પણ તેના પરિવારને લાભો ના મળે એ તો ધરાર નગુણાપણું કહેવાય.
આ નગુણાપણું દૂર કરવાના બદલે આ સરકાર શહીદ અગ્નિવીરના પરિવારને લાભો ના મળે તે માટે કોર્ટમાં કેસ લડી રહી છે. આ કેસ લડવા વકીલોને ઊંચી ફી અપાશે પણ શહીદના પરિવારોને લાભ નહીં અપાય!
આ કેવી જડતા કહેવાય ?
મોદી સરકાર ઑપરેશન સિંદૂર માટે ગર્વ અનુભવે છે ને તેના પ્રચાર માટે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે.
ઑપરેશન સિંદૂરની વાહવાહી માટે જાત જાતના ને ભાત ભાતના કાર્યક્રમો કરીને કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે પણ એક શહીદના પરિવારને મહિને પચીસ કે પચાસ હજારનું પેન્શન આપતાં પેટમાં ચૂંક આવે એ કેવી નીચ માનસિકતા કહેવાય ?
શહીદ મુરલી નાઈકના પરિવારને હેલ્થકેર સહિતના બીજા લાભો આપવા માટે તો કશું વિશેષ કરવાની જરૂર પણ નથી. આ દેશમાં સંખ્યાબંધ આર્મી મેડિકલ હોસ્પિટલો આવેલી છે તેમાં શહીદ નાઈકનાં પરિવારનાં બે લોકોની સારવાર થઈ જશે તો શું ફરક પડી જવાનો છે? આયુષ્માન યોજના હેઠળ દેશના નાગરિકોને મફત હેલ્થકેર સુવિધા મળે જ છે. શહીદ નાઈકના પરિવારને એ લાભ આપવાનો છે.
મોદી સરકાર અગ્નિવીરની સેવા માટેના નિયમોનો હવાલો આપે છે એ જડ તુમારશાહીનો પુરાવો છે. સામાન્ય સંજોગોમાં નિયમોને વળગી રહેવામાં કશું ખોટું નથી.
તંત્ર ચલાવવું હોય તો એ કરવું પડે પણ દેશ માટે શહીદી વહોરવી સામાન્ય સંજોગો નથી. દેશની સુરક્ષા માટે જીવ આપી દેવો એ સર્વોચ્ચ બલિદાન છે ને આ અસામાન્ય સંજોગોમાં નિયમો બદલાય તો કશું ખોટું નથી.
મુરલીના પરિવારને પેન્શન બાંધી આપવાને કારણે ભવિષ્યમાં બીજા કેસોમાં પણ આવી માગણી થશે ને તેના કારણે સરકાર પર બોજ વધશે એવો ડર સરકારે બતાવ્યો છે. આ ડર સાવ અકારણ છે કેમ કે કોઈ અગ્નિવીર શહીદ થાય એવી ઘટના રોજ નથી બનવાની કે તમારે દર વરસે 365 શહીદ અગ્નિવીર પરિવારોને પેન્શન આપવાં પડે. આ પ્રકારની ઘટના ભાગ્યે જ બને છે ને અપવાદરૂપ હોય છે.
અપવાદરૂપ કિસ્સામાં નિયમ બદલી જ શકાય ને તેની સામે કોઈને વાંધો નહીં હોય. આ દેશ માટે શહીદ થનારા વીર જવાનના પરિવારને પેન્શન અપાય તેમાં કોઈ વાંધો નથી લેવાનું.
કમનસીબે આ દેશની પ્રજા પણ એટલી નમાલી છે કે પોતાના શહીદોનું ગૌરવ નથી કરતી અને શહીદોના પરિવારને થતા અન્યાય સામે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી રહી છે.
આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, સેલ્યુટ મારીને તેમની બહાદુરીને બિરદાવીએ છીએ પણ તેમના પરિવારને પડખે ઊભા રહેવા કોઈ તૈયાર નથી. મુરલીની માતા 2025ના નવેમ્બરથી હાઈ કોર્ટમાં કેસ લડી રહ્યાં છે પણ કોઈ તેમને મદદ માટે તૈયાર નથી.
આ દેશ માટે શહીદ થનારા જવાંમર્દના પરિવારે પોતાની બાકીની જિંદગી ગૌરવથી વિતે એ માટે હાથ લંબાવવો પડે એ જ શરમજનક કહેવાય પણ વધારે શરમજનક વાત એ છે કે તેમને હડધૂત કરી દેવાયાં છે અને તેમણે હાઈ કોર્ટના શરણે જવું પડ્યું છે. જડ નિયમોનો હવાલો આપીને શહીદના પરિવાર સાથે ભિખારી હોય એવું વર્તન કરીને અપમાનિત કરાય એવું આ દેશમાં જ બને.
મોદી સરકાર અગ્નિવીર યોજના લાવી ત્યારે તેની સામે ભારે ઊહાપોહ થયેલો. મોદી સરકાર દેશની સુરક્ષા માટે દેશ માટે ઝનૂનથી લડનારા જવાંમર્દોના બદલે નોકરિયાતોની ભરતી કરી રહી છે એવા આક્ષેપો થયેલા. દેશ માટે જીવ આપી દેતાં વિચાર ના કરે એવા સૈનિકોના પરિવારોને લાભો નહીં આપવાના નિયમોની ટીકા થયેલી.
મોદી સરકારે આ ટીકા વિપક્ષોનો કુપ્રચાર હોવાનો દાવો કરીને સધિયારો આપેલો કે, અગ્નિવીરોના પરિવારોની પણ સરકાર કાળજી લેશે જ પણ મુકલી નાઈકના પરિવારે કોર્ટના ધક્કા ખાવા પડે છે એ જોયા પછી લાગે કે, આ ટીકા સાચી છે.
મોદી સરકારે આ ટીકાને ખોટી સાબિત કરવી હોય તો શહીદ નાઈકના પરિવારને પેન્શન સહિતના લાભો આપી દેવા જોઈએ. પ્રોપેગેન્ડા મૂવીમાં દેશ માટે લડનારાના પરિવારને દર મહિને પેન્શન મળે છે એવું બતાવવાના બદલે વાસ્તવિક રીતે દેશ માટે લડતાં લડતાં શહીદ થયેલા જવાનના પરિવારને પેન્શન આપવું જોઈએ. આ પેન્શન તેનો અધિકાર છે, મદદ નથી કે ભીખ નથી.