થાણે: શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની ખાતરી આપી નકલી મોબાઈલ ઍપ્લિકેશનની મદદથી થાણેની મહિલા સાથે 1.1 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હતી.
ઘોડબંદર રોડ પર રહેલી 59 વર્ષની મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે થાણે સાયબર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ અનુસાર કથિત છેતરપિંડી ચોથી ઑગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન થઈ હતી. સાયબર ઠગ ટોળકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાનો સંપર્ક સાધ્યો હતો. શૅર ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી મહિલાને એક ટ્રેડિંગ ઍપ ડાઉનલૉડ કરવાની ફરજ પડાઈ હતી. આ ઍપ માટે મહિલાના મોબાઈલ ફોન પર એક લિંક પણ મોકલવામાં આવી હતી.
મહિલાના ઈ-વૉલેટમાં નફો દેખાડી ઠગે સમયાંતરે તેને અલગ અલગ બૅન્ક ખાતાંમાં 1.1 કરોડ રૂપિયા જમા કરાવવા લલચાવી હતી. મહિલાએ નફાની રકમ કઢાવવાનો પ્રયાસ કરતાં તેને 13.67 કરોડ રૂપિયાનો નફો થયો હોવાનું દેખાડ્યું હતું. જોકે આ રકમ કઢાવવા અમુક રકમ ચૂકવવાનું મહિલાને કહેવામાં આવ્યું હતું.
આખરે પોતે છેતરાઈ હોવાની જાણ થતાં મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મહિલાએ જે બૅન્ક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં તેની વિગતો મેળવીને ખાતાધારકોની તેમ જ ઍપ ઑપરેટરની શોધ ચલાવાઈ રહી છે, એવું સાયબર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર રાહુલ સોનાવણેએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)