Wed Aug 19 2026

Logo

થાણે પાલિકામાં નવ પ્રભાગ સમિતિમાંથી આઠ પ્રભાગ સમિતિ પર મહાયુતિનો વિજય, મુંબ્રામાં રાષ્ટ્રવાદીએ બાજી મારી

2026-08-04 20:17:03
Author: Sapna Desai
Article Image

ChatGPT Image


(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
થાણે મહાનગરપાલિકાના નવ પ્રભાગ સમિતિના અધ્ચક્ષપદની ચૂંટણીમાં શિંદેસેનાના સાત અને ભાજપના એક અધ્યક્ષ બિનહરીફ ચૂંટાયા હતા. તો મુંબ્રામાં રાષ્ટ્રવાદી( શરદ પવાર) કૉંગ્રેસે અધ્યક્ષપદની ચૂંટણી જીતીને ઓલ ઈન્ડિયા  મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ)ના નગરસેવકને ૧૦ વિરુદ્ધ ચાર મતથી હરાવ્યા હતા.

થાણે મહાનગરપાલિકાની રખડી પડેલી નવ પ્રભાગ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણી મંગળવારે પાર પડી હતી. આ ચૂંટણી માટે ૩૧ જુલાઈના ઉમેદવારોએ અરજી દાખલ કરી હતી, નવ પ્રભાગ સમિતિ માટે કુલ ૧૦ ઉમેદવારોએ અરજી દાખલ કરી હતી, તેમાંથી આઠ પ્રભાગ સમિતિમાં ફકત એક જ અરજી હોવાથી ત્યાં અધ્યક્ષ બિનવિરોધ ચૂંટાયા હતા.

શિંદે શિવસેના તરફથી નૌપાડા-કોપરી વોર્ડ સમિતિ, માનપાડા-માજિવાડા પ્રભાગ સમિતિ, કલવા પ્રભાગ સમિતિ, લોકમાન્ય-સાવરકર પ્રભાગ સમિતિ, દિવા પ્રભાગ, અને વર્તકનગર પ્રભાગ સમિતિમાં ઉમેદવારોએ અરજી કરી હતી. તો મહાયુતિમાં પ્રભાગની વહેંચણીમાં ઉથળસર પ્રભાગ સમિતિ ભાજપના ફાળે જતા ભાજપના નગરસેવકે અરજી કરી હતી. આ તમામ વોર્ડમાં એક જ અરજી આવી હોવાથી તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.

મુંબ્રા પ્રભાગ સમિતિના અધ્યક્ષપદ માટે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (શરદ પવાર) પક્ષના નગરસેવિકાએ એઆઈએમઆઈએમના ઉમેદવારને હાર આપી આ સમિતિ કબજે કરી હતી. અહીં રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના ૧૦, એમઆઈએમના પાંચ અને રાષ્ટ્રવાદી (અજિત પવાર) પક્ષના એક નગરસેવક છે. તેથી સંખ્યાબળને આધારે શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસનો વિજય નિશ્ર્ચિત હતો. બંને ઉમેદવારોએ મંગળવારે ઉમેદવારી પાછી નહીં ખેંચતા ચૂંટણી થઈ હતી, જેમાં શરદ પવારની રાષ્ટ્રવાદીને ૧૦ અને એઆઈએમઆઈએમને ચાર મત મળ્યા હતા. 

ચૂંટણીમાં મતદાન સમયે અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નગરસેવક અને એઆઈએમઆઈએમની બહુચર્ચિત નગરસેવિકા સહર શેખ  ગેરહાજર રહ્યાં હતાં. એઆઈએમઆઈએમ પાસે પાંચ નગરસેવકનું સંખ્યાબળ હોવા છતાં નગરસેવિકા સહર શેખ મતદાન સમયે ગેરહાજર રહેતા અંસારીને ફ્કત ચાર મત મળ્યા હતા. તેથી મુંબ્રાના રાજકારણમાં નિકાલ કરતા સહર શેખની ગેરહાજરીએ વધુ ચર્ચા જગાવી હતી.