Tue Oct 06 2026

Logo

બે વૅન સામસામી ભટકાતાં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત: બે જખમી

2026-09-28 20:06:42
Author: Yogesh C. Patel
બે વૅન સામસામી ભટકાતાં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત: બે જખમી

થાણે: થાણે જિલ્લામાં માલશેજ ઘાટ નજીક હાઈવે પર પુરપાટ વેગે દોડતી બે વૅન સામસામી ટકરાતાં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મુરબાડ તાલુકામાં નૅશનલ હાઈવે નંબર-61 પર રવિવારની સવારે આ ઘટના બની હતી. ખેડલે-તલાવળે ગામના ત્રણ રહેવાસીને લઈ જતી પિકઅપ વૅન કલ્યાણ તરફ જતી પોલ્ટ્રી વૅન સાથે અથડાઈ હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે બન્ને વાહનની સામેની કૅબિનનો ખુરદો બોલાઈ ગયો હતો. પિકઅપ વૅનમાંના ત્રણેય જણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા. મૃતકોની ઓળખ મારુતિ તુકારામ ખાપરે (55), તેના પુત્ર અજિત મારુતિ ખાપરે (25) અને ડ્રાઈવર રામ માલુ સપાટે (40) તરીકે થઈ હતી, એવું પોલીસે જણાવ્યું હતું.

અકસ્માતમાં મરઘાં લઈ જતી વૅનમાં બેસેલા બે જણને ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે તેમને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ટોકાવડે પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર શીતલકુમાર નાઈકે જણાવ્યું હતું કે ઘટના સમયે બન્ને વાહન સ્પીડમાં દોડતાં હતાં. પ્રાથમિક તપાસ બાદ પોલ્ટ્રી વૅનના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)