Thu Sep 10 2026

Logo

થાણે-ઘોડબંદર રોડ પર વરસાદને કારણે ખાડાઓનું સામ્રાજ્યઃ વાહનચાલકો પરેશાન

2026-07-01 21:25:28
Author: Mumbai Samachar Team
થાણે-ઘોડબંદર રોડ પર વરસાદને કારણે ખાડાઓનું સામ્રાજ્યઃ વાહનચાલકો પરેશાન

મુંબઈ: ઘોડબંદર અને થાણેના મહત્વના માર્ગો પર કોંક્રિટનું કામ કરાયું હોવા છતાં ત્યાંના ફ્લાયઓવર પરના ડામરના રસ્તાઓ પર પહેલા જ વરસાદમાં ખાડા પડી ગયા છે. નીતિન કંપની ફ્લાયઓવર પર ખાડાઓને કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. 

મુંબઈ મહાનગરમાં વાહનવ્યવહાર માટે થાણે અને ઘોડબંદર રોડ મહત્વનો માનવામાં આવે છે. અહીંથી દરરોજ સેંકડો ભારે વાહનો તેમ જ સ્થાનિક વાહનોની અવરજવર રહે છે. થાણેના આનંદનગરથી કાપુરબાવડી ફ્લાયઓવર સુધી ડામરનો રોડ છે, જ્યારે ઘોડબંદર મુખ્ય અને સર્વિસ રોડ જોડાણની કામગીરીમાં આ રોડ કોંક્રિટનો કરવામાં આવ્યો છે.

કપૂરબાવડીથી ગાયમુખ વચ્ચેનો રોડ સાર્વજનિક બાંધકામ વિભાગ દ્વારા થાણે મહાનગરપાલિકાને હસ્તાંતરિત કરવામાં આવ્યો છે. આ માર્ગની જવાબદારી થાણે પાલિકા હસ્તક આવ્યા બાદ, પાલિકાએ ચોમાસા પહેલાં જ સમારકામની કામગીરી હાથ ધરી હતી.

મુખ્ય અને સર્વિસ રોડનું કોંક્રિટીકરણ પૂર્ણ થઈ રહ્યું હતું, ત્યારે જ પાલિકાએ ફ્લાયઓવર પરના જોખમી ડામરના ઉપસેલા ભાગો હટાવીને ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું હતું. પરંતુ, પહેલા જ વરસાદમાં વાઘબીળ અને કપૂરબાવડી ફ્લાયઓવર પર મુંબઈ તરફ જતી લેન પર મોટા-મોટા ખાડા પડી ગયા છે.