Thu Sep 10 2026

Logo

ઝઘડા બાદ કેરોસીન છાંટીને પત્નીને જીવતી સળગાવી દેનારા પતિને આજીવન કારાવાસ

2026-06-28 18:50:24
Author: Yogesh D. Patel
ઝઘડા બાદ કેરોસીન છાંટીને પત્નીને જીવતી સળગાવી દેનારા પતિને આજીવન કારાવાસ

થાણે: થાણે જિલ્લાની કોર્ટે 2020માં ચારિત્ર્ય પર શંકાને લઇ ઝઘડો થયા બાદ પત્ની પર કેરોસીન છાંટી તેને જીવતી સળગાવી દેનારા પતિને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ બી.ડી. શેળકેએ શુક્રવારે આરોપી શાહિર દેવરામ પારખે (32)ને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ દોષી ઠેરવ્યો હતો અને સજા ઉપરાંત પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

કેસની વિગત અનુસાર થાણેના ડાયઘરમાં રહેતા પારખેનો 17 માર્ચે રાતે તેની પત્ની પાયલ સાથે ઝઘડો થયો હતો. પાયલે તેની બહેનપણીને મધ્યસ્થી કરવા બોલાવી હતી અને તેણે મામલો શાંત પાડ્યો હતો. થોડા સમય બાદ પારખે દારૂના નશામાં બોટલમાંથી કેરોસીન તેની પત્ની પર છાંટ્યું હતું અને આગ ચાંપ્યા બાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પાયલ 70 ટકા દાઝી ગઇ હતી અને કેટલાક દિવસ બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. 

પાયલે પારખે સાથે પ્રેમલગ્ન કર્યાહતા અને તેઓ ડાયઘર વિસ્તારમાં રહેતાં હતાં. તપાસકર્તા પક્ષે કહ્યું હતું કે પારખે તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેને કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતાજજ શેળકેએ પાયલે મૃત્યુ અગાઉ પોલીસ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પડોશીઓ અને તેની માતાને આપેલા નિવેદનનું વિશ્ર્લેષણ કર્યું હતું. કેસનું એક મહત્ત્વનું પાસું પાયલની બહેનપણી કાજલ મૌર્ય હતી, જે ઘટનાની સાક્ષીદાર હતી. (પીટીઆઇ)