Tue Apr 28 2026

Logo

સાળી સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી  બનાવી: કોર્ટે બનેવીને નિર્દોષ જાહેર કર્યો

2026-04-28 17:47:11
Author: યોગેશ ડી. પટેલ
Article Image

થાણે: સાળી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવવાના આરોપનો સામનો કરી રહેલા 34 વર્ષના બનેવીને થાણે જિલ્લાની કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આ કેસના મુખ્ય સાક્ષીદારોએ ફેરવી તોડતાં ફરિયાદ પક્ષ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હતો. 

એડિશનલ સેશન્સ જજ પ્રેમલ એસ. વિઠલાણીએ કલવા વિસ્તારના રહેવાસી આરોપીને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ નિર્દોષ જાહેર કર્યો હતો.તપાસકર્તા પક્ષ અનુસાર પીડિતાની મોટી બહેને બાળકને જન્મ આપ્યો હતો અને તેને મદદ કરવા તે 2021માં બહેનના સાસરે રોકાવા માટે આવી હતી. એ સમય દરમિયાન બનેવીએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તે 2022માં ગર્ભવતી બની હતી.

કોર્ટે અવલોકન કર્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 68 (એ) હેઠળ ગુનો થયોે છે એ સ્થાપિત કરવા ફરિયાદ પક્ષે પુરવાર કરવું પડશે કે આરોપી અને પીડિતા વચ્ચે વિશ્ર્વાસનો સંબંધ હતો અને પીડિતાને લલચાવવા અથવા ફસાવવા માટે આવા સંબંધનો તેણે દુરુપયોગ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે પીડિતાએ જુબાની આપી હતી કે તેમનો સંબંધ સહમતિથી હતો. 

કોર્ટે આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો કે આરોપીએ પીડિતાને લલચાવી હતી અથવા ફસાવી હતી કે કોઇ ગુનાહિત ધમકી આપી હતી. (પીટીઆઇ)