Thu Sep 03 2026

Logo

તમિલનાડુમાં 'વિજય' ઉત્સવ: આવતીકાલે CM પદના શપથ લેશે થલાપતિ, નેહરુ સ્ટેડિયમમાં ભવ્ય તૈયારીઓ શરૂ

2026-05-09 21:18:43
Author: Vimal Prajapati
તમિલનાડુમાં 'વિજય' ઉત્સવ: આવતીકાલે CM પદના શપથ લેશે થલાપતિ, નેહરુ સ્ટેડિયમમાં ભવ્ય તૈયારીઓ શરૂ

ચેન્નાઈ: તમિલનાડુમાં દાયકાઓ જૂના દ્રવિડિયન પક્ષોના શાસનનો અંત આવ્યો જ સમજી શકાય! TVK ચીફ  વિજય આગામી આવતીકાલે એટલે કે 10 મે, 2026 ના રોજ તમિલનાડુના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથેની બેઠક બાદ શપથ ગ્રહણનો સમય અને સ્થળ સત્તાવાર રીતે નક્કી કરવામાં આવ્યા છે.

રાજભવનમાં ચોથી બેઠક અને બહુમતીનો દાવો.

આજે મોડી સાંજે રાજ્યપાલ અને વિજય વચ્ચે થયેલી ચોથી મુલાકાત નિર્ણાયક સાબિત થઈ છે. વિજયે કુલ 121 ધારાસભ્યોના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. 108 બેઠકો જીતનાર TVK ને બહુમતી માટે જરૂરી આંકડાની ખેંચતાણ હતી, પરંતુ VCK અને IUML ના બિનશરતી ટેકાએ તમામ સમીકરણો બદલી નાખ્યા છે, અને વિજયની સરકાર બનવા જઈ રહી છે. 

રવિવારે બપોરે ૩:૧૫ કલાકે શપથ ગ્રહણ

રાજ્યપાલે શપથ વિધિ માટે રવિવારે બપોરે 3:15 કલાકનો સમય નક્કી કર્યો છે. આ ભવ્ય સમારોહ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે. વિજયને સમર્થન આપનાર પક્ષોમાં કોંગ્રેસ, VCK, CPI (M), CPI અને IUML ના ધારાસભ્યોનો સમાવેશ થાય છે, જેઓ શનિવારે રાજ્યપાલ સાથેની મુલાકાત વખતે પણ હાજર રહ્યા હતા.

રાજ્યપાલે કેરળનો પ્રવાસ રદ કર્યો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે વિજય મળવા માટે જાય તે પહેલા રાજ્યપાલ કેરળ જવા માટે રવાના થવાના હતા. પરંતુ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે તમિલનાડુમાં સર્જાયેલી આ રાજકીય ગંભીરતાને જોતા રાજ્યપાલે પોતાનો નિર્ધારિત કેરળ પ્રવાસ રદ કરી દીધો હતો. જેવો જ તેમને ખ્યાલ આવ્યો કે TVK પાસે સરકાર બનાવવા માટે પૂરતું સંખ્યાબળ છે, તેમણે તાત્કાલિક પ્રક્રિયા હાથ ધરી હતી, અને શપથ ગ્રહણનો સમય અને તારીખ નક્કી કરી નાખી છે.