Sun May 10 2026

Logo

તમિલનાડુમાં 'થલાપતિ' યુગનો પ્રારંભ: વિજયે CM તરીકે લીધા શપથ, 60 વર્ષ જૂના દ્રવિડિયન દબદબાનો અંત

2026-05-10 11:13:00
Author: Vimal Prajapati
Article Image

ચેન્નાઈઃ તમિલનાડુના રાજકારણમાં નવો યુગ શરૂ થયો છે. ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ટીવીકે ચીફ વિજય તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે. થલાપતિ વિજય હવે સત્તાવાર રીતે તમિલનાડુના મુખ્ય પ્રધાન બની ગયાં છે. આ દરમિયાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે હજારોની સંખ્યમાં ટીવીકે પાર્ટીના સમર્થકો હાજર જોવા મળ્યાં છે. 

રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે  શપથ લેવડાવ્યા

તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. ટીવીકેના પ્રમુખ સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ સાથે, રાજ્યમાં બે મુખ્ય દ્રવિડ પક્ષો - ડીએમકે અને એઆઈએડીએમકે - ના સત્તામાં વારાફરતી યુગનો અંત આવ્યો, જે લગભગ છ દાયકાથી ચાલતો હતો. 

વિજયની વિજય સેનાની વલાત કરવામાં આવે તો, એન. આણંદ, આધવ અર્જુન, ડો.કે.જી. અરુણરાજ, કે.એ. સેંગોટ્ટાઇયન, પી. વેંકટરામનન, આર. નિર્મલકુમાર, થીરુ રાજમોહન, ડો.ટી.કે. પ્રભુ અને સેલ્વી એસ. કીર્થાનાએ શપથ લીધા છે. 

તમિલનાડુમાં કોંગ્રેસના સમર્થનથી ગઠબંધન સરકાર બની

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વિજયે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં પદના શપથ લીધા. તેની સાથે ટીવીકેના અનેક વરિષ્ઠ નેતાઓ સહિત નવ ધારાસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા છે. વિજય કોંગ્રેસ પક્ષના સમર્થનથી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે. રાજ્યપાલે વિજયને 13 મે સુધીમાં વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે.

વિજયને અહીં સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. વીસીકે અને આઈયુએમએલએ વિજયની પાર્ટી, ટીવીકેને બિનશરતી ટેકો જાહેર કર્યો. બંને પક્ષો પાસે બે-બે ધારાસભ્યો છે. વિજય પાસે હવે બહુમતી સાબિત કરી શકાય તેટલું સમર્થન છે. તમિલનાડુ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 118 ધારાસભ્યોની સંખ્યા જરૂરી છે. વિજયની પાર્ટી TVK એ વર્ષોથી ચાલી આવતા ડીએમકે (DMK) અને એઆઈડીએમકે (AIADMK) ના દબદબાને તોડીને વિજયે 108 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. બાકી રહેતા બહુમત માટે પણ અન્ય પાર્ટીએ વિજયને સમર્થન આપી દીધું છે.