Thu Sep 10 2026

Logo

તો ટીસીએસમાં 'એ' ઘટના ટાળી શકાઈ હોત તો...!

2026-04-26 21:05:40
Author: Mumbai Samachar Team
તો ટીસીએસમાં 'એ' ઘટના ટાળી શકાઈ હોત તો...!

પુણે: દેશની અગ્રણી આઇટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) આરોપોના વંટોળમાં ફસાઈ ગઈ છે. કંપનીના નાશિક સેન્ટરમાં મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને તેમનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. 

પોલીસે આ કેસમાં કંપનીના કેટલાક અધિકારીઓની ધરપકડ પણ કરી છે. છ મહિના પહેલા ટીસીએસમાં થયેલી ગેરરીતિઓ અંગે પુરાવા સાથે શ્રમ પ્રધાનને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આઇટી કર્મચારી સંગઠને ખુલાસો કર્યો છે કે તે સમયે તેની નોંધ લેવામાં ન આવતા આ પ્રકારની ઘટના બની છે. 

ટીસીએસ છેલ્લા એક વર્ષથી સ્ટાફમાં ઘટાડો કરી રહ્યું છે, જેમાં કર્મચારીઓ પાસે જબરદસ્તીથી રાજીનામું લેવા અને અન્યાયી વર્તન કરવાની ફરિયાદો લેબર વિભાગમાં કરવામાં આવી હતી. એટલું જ નહીં, મેટરનિટી લીવ (માતૃત્વ રજા) પર ગયેલી મહિલા કર્મચારીઓને પણ અચાનક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે. આ ગેરરીતિઓ અંગે લેબર વિભાગમાં સુનાવણી પણ થઈ હતી અને વિધાનસભામાં પણ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

ફોરમ ફોર આઈટી એમ્પ્લોઈઝ' સંગઠને ગયા સપ્ટેમ્બરમાં જ શ્રમ પ્રધાન આકાશ ફુંડકરને મળીને ટીસીએસમાં થતી ગેરરીતિઓ અને પુરાવાઓ સોંપ્યા હતા. સંગઠને આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ કરવાની માંગ કરી હતી, પરંતુ શ્રમ વિભાગે છ મહિના સુધી કોઈ પગલાં લીધા નહીં. જો શ્રમ પ્રધાને તેમની રજૂઆત પર વહેલી કાર્યવાહી કરી હોત અને વિશેષ તપાસ ટીમ નિમી હોત, તો નાશિક કેન્દ્રની આ દુર્ઘટના રોકી શકાઈ હોત.

તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે જ નાશિક કેન્દ્રમાં જાતીય સતામણી અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર કિસ્સાઓ સામે આવ્યા હોવાનો દાવો સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો.