નવી દિલ્હી/નાશિકઃ દેશની સૌથી મોટી આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)માં કથિત ધર્માંતરણ અને અત્યાચારને કારણે ચર્ચામાં છે, ત્યારે આ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હવે કેટલાક શંકાસ્પદ કર્મચારીઓના બેંક ખાતાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ એજન્સીને એવી પણ આશંકા છે કે,આ ખાતામાં બાહરથી ફંડિગ થયુ હોઈ શકે છે. બાહરનો કોઈ સ્ત્રોત જોડાયેલો હોઈ શકે છે, પરંતુ હવે નિદા ખાનના પરિવારજનોએ સામે આવીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
તમામ આરોપ પાયાવિહોણા
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 પુરૂષ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ કેસ સાથે સંબંધિત મુખ્ય અધિકારી નિદા ખાન હજુ પણ ફરાર છે. આ વિવાદ વચ્ચે નિદા ખાનના પરિવારે જાહેરમાં તમામ આરોપોને ફગાવી દીધા છે.
નિદા ખાનના પિતાએ કહ્યું હતું કે, દીકરીની સામે લગાવેલા તમામ આરોપ ખોટા છે. આ સમગ્ર મામલો અન્ય કોઈ મુદ્દાને દબાવવા માટે ઊભો કરવામાં આવ્યો છે. નિદાનો જે તે ફરિયાદ સાથે કોઈ સીધો સંપર્ક ન હતો. જે કંઈ ચાલી રહ્યું છે એ બધુ ફેક છે અને અશોક ખરાતના મામલાને દબાવવા માટે અમારી દીકરીને ફસાવવામાં આવી રહી છે.
દીકરીને ટાર્ગેટ કરાઈ રહી છે
નિદાના પિતા સિવાય એમના કાકા અને માતાએ પણ વાત કહી છે. એમનું એવું કહેવું છે કે, અમે ગરીબ છીએ તો અમને બદનામ કરવાનો પ્રયાસ આ રીતે થઈ રહ્યો છે. અમારી દીકરી કોઈ HRની મુખ્ય વ્યક્તિ નથી. એ માંડ 15-20 હજાર રૂપિયા કમાય છે. પરિવારે એવું પણ કહ્યું કે, દીકરીએ ક્યારેય કોઈના પર ધર્માંતરણ કરવા દબાણ ઊભું કર્યું નથી. અન્ય ધર્મના દેવી-દેવતાઓ પર કોઈ કમેન્ટ પણ કરી નથી. નિદા ખાન ભિવંડીમાં પોતાના સાસુ-સસરાના ઘરે છે. તે હાલમાં પ્રેગ્નટ છે.આ સમગ્ર વિવાદને કારણે પરિવાર માનસિક રીતે પરેશાન થયો છે. પરિવારનો એવો પણ આરોપ છે કે, દીકરીને ઈરાદાપૂર્વક ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
પાયાવિહોણા આરોપ હોવાનો દાવો
નિદાની નોકરી પર એમનો પરિવાર નિર્ભર હતો. એમનો પરિવાર પણ અન્ય ધર્મનું સન્માન કરે છે. આવું એમના પરિવારજનોનું કહેવું છે. આ પ્રકારના જે આરોપો દીકરી પર લગાવવામાં આવી રહ્યા છે એમાં કોઈ સત્ય નથી. પોલીસનું એવું કહેવું છે કે, કેસમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે.
તમામ પ્રકારના મુદ્દાઓને લઈને જુદી જુદી દિશામાં તપાસ ચાલું છે.ફરાર આરોપીની પણ તપાસ ચાલું છે. બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે. હાલ પરિવારની વાત સામે આવતા કેસમાં નવો વળાંક આવી ગયો છે. હવે તપાસ સંપૂર્ણ રીતે પૂરી થયા બાદ પોલીસ કોઈ વિગત જાહેર કરે તો સત્ય સામે આવી શકે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ પણ વાત કહી હતી કે, આ ગંભીર મામલો છે, કેસમાં કોઈની પણ તરફેણ કરાશે નહીં. સેન્ટ્રલ એજન્સીને પણ જાણ કરાઈ છે.