Fri Aug 28 2026

Logo

ભારતીય બૉક્સરે પાકિસ્તાની હરીફને હરાવીને સૂર્યકુમાર યાદવ જેવું કર્યું!

Glasgow   2026-07-27 18:20:00
Author: Ajay Motiwala
ભારતીય બૉક્સરે પાકિસ્તાની હરીફને હરાવીને સૂર્યકુમાર યાદવ જેવું કર્યું!

ગ્લાસગોઃ અમુક વાતો વારંવાર નથી બનતી હોતી અને એટલે જ ભારતીય મુક્કાબાજ જાદુમણી સિંહની રવિવારની જીત સ્પેશ્યલ કહેવાય છે. કારણ એ છે કે તેણે કૉમનવેલ્થ ગેમ્સમાં પાકિસ્તાની હરીફને પરાજિત કરીને એ વિજય 1999ના કારગિલ (Kargil) યુદ્ધના શહીદોને અર્પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2025માં ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને સાત વિકેટે પરાજિત કર્યું ત્યાર બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે એ જીત સશસ્ત્ર દળોને તેમ જ પહલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને અર્પણ કરી હતી. સૂર્યકુમારે એવું કર્યું ત્યારે પાકિસ્તાનમાંથી તો તેની ટીકા થઈ જ હતી, ભારતમાં વસતા પાકિસ્તાનીઓના દલાલોએ પણ સૂર્યાની ટીકા કરી હતી. સૂર્યા તેમ જ ભારતીય ખેલાડીઓએ ત્યારે પાકિસ્તાનના કૅપ્ટન અને એના ખેલાડીઓ સાથે હાથ નહોતા મિલાવ્યા એ કિસ્સો પણ ખૂબ વાઇરલ થયો હતો.

ભારતીય બૉક્સર જાદુમણી સિંહે રવિવારે કૉમનવેલ્થમાં પંચાવન કિલો વર્ગમાં 16 બૉક્સરના રાઉન્ડમાં પોતાનાથી ઊંચા કદના પાકિસ્તાનના સુમામા રહમાનને 5-0થી હરાવી દીધો હતો. રહમાન સામેના મૂવમેન્ટ અને વળતા આક્રમણ જાદુમણી માટે આસાન વિજય મેળવવા પૂરતા હતા. ખાસ કરીને બીજા રાઉન્ડમાં રહમાનના મોં પર મુક્કો મારીને જાદુમણી (Jadumani)એ તેને પોતાનો પરચો બતાવી દીધો હતો.

જાદુમણી હવે ક્વૉર્ટર ફાઇનલમાં ઝામ્બિયાના ઍમ્વેન્ગો ઍમ્વાલે સામે ટકરાશે. જાદુમણીની પહેલાં ભારતની પ્રીતિ પવારે 54 કિલો વર્ગમાં માલવીની દેબોરા ઍમ્ટેન્યેને હરાવી દીધી હતી. બીજા રાઉન્ડમાં જ રેફરીએ આ બાઉટ અટકાવી દીધો હતો અને પછીથી પ્રીતિને વિજેતા જાહેર કરવામાં આવી હતી.