Mon Jul 27 2026

Logo

શું તમે પણ સોયા ચાપ ખાવાના શોખીન છો? નોઈડાથી સામે આવ્યો ચોંકાવનારો વીડિયો, જોઈ લેશો તો...

2026-07-27 18:12:18
Author: Darshana Visaria
Article Image

નોઈડા: દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં લોકોની પ્રિય વાનગી ગણાતી સોયા ચાપની બનાવટ અને ચોખ્ખાઈને લઈને એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. નોઈડાથી સામે આવેલા આ વાઈરલ વીડિયો ખાવા-પીવાની ચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઊભા કરી દીધા છે. વાઈરલ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખાદ્ય સુરક્ષા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ સોયા ચાપ બનાવવા માટે તૈયાર કરાયેલા બેટર પર ખુલ્લેઆમ સૂતેલો દેખાય છે. કેટલાક લોકો તેને ખેંચી રહ્યા છે, જ્યારે એક અન્ય વ્યક્તિ તેના પર પાઈપ વડે પાણી છાંટી રહ્યો છે! આટલી ગંદી અને અસ્વચ્છ પરિસ્થિતિમાં સોયા ચાપ તૈયાર થતા જોઈને સોયા ચાપ ખાવાના શોખીનોના હોશ ઊડી ગયા છે.

જોકે, ખાદ્ય વિભાગે હજુ સુધી આ વીડિયો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ આ ઘટનાએ લોકોના આરોગ્ય સાથે થઈ રહેલા ખીલવાડ પર અનેક સવાલો ખડા કરી દીધા છે. વીડિયો વાઈરલ થતાં જ વહિવટી તંત્ર અને ખાદ્ય વિભાગના અધિકારીઓએ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 

જોકે, આ વીડિયો નોઈડાની કઈ ચોક્કસ ફેક્ટરીનો છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઉલ્લેખનીય છે કે, ખાદ્ય સામગ્રીમાં અસ્વચ્છતા કે ભેળસેળનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ સમય-સમય પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, છતાં આવી ફેક્ટરીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહી છે.

શું સોયા ચાપ ખાવું હવે સુરક્ષિત નથી?

દિલ્હી-એનસીઆર અને ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ સોયા ચાપ ખૂબ જ લોકપ્રિય છે. ઘણા લોકો તેને 'પ્રોટીન ડાયેટ' તરીકે ખાતા હોય છે તો કેટલાક લોકો તેના ઉત્તમ સ્વાદ માટે તેનો આહારમાં ઉપયોગ કરે છે. પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ હવે સોયા ચાપ ખાતા પહેલાં લોકો સો વખત વિચાર કરવા માટે મજબૂર બન્યા છે.