Mon Jul 27 2026

Logo

મુંબઈમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં ઘટાડો:  લગ્નના ખોટા વચનના કેસમાં મોટો ઉછાળો

2026-07-27 18:31:54
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ:  મુંબઈમાં વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં મહિલાઓ વિરુદ્ધના કેટલાક ગંભીર ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. મુંબઈ પોલીસના 30 જૂન સુધીના આંકડા અનુસાર, આ વર્ષે શહેરમાં બળાત્કારના 456 કેસ નોંધાયા છે, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં 476 કેસ નોંધાયા હતા. એટલે કે બળાત્કારના કેસમાં 20નો ઘટાડો થયો છે. આ વર્ષે નોંધાયેલા 456 કેસમાંથી 441 કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

બીજી તરફ, છેતરપિંડી કરી શારીરિક સંબંધ બાંધવાના, જેમાં લગ્નનું ખોટું વચન આપવાના કેસોનો પણ સમાવેશ થાય છે, તેમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. આવા કેસોની સંખ્યા ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં 126 હતી, જે વધીને આ વર્ષે 179 થઈ ગઈ છે. એટલે કે એક વર્ષમાં આવા કેસોમાં 53 ટકાનો વધારો નોંધાયો છે.

મહિલાઓના વિનયભંગના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. 2025ના પ્રથમ છ મહિનામાં આવા 1,294 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે ઘટીને 1,141 થયા છે. જોકે, મહિલાનું ઈરાદાપૂર્વક વિનયભંગ કરવાના કેસોમાં વધારો થયો છે અને આ આંકડો 440થી વધીને 559 થયો છે.

મહિલાઓ અને યુવતીઓના અપહરણના કેસોમાં પણ ઘટાડો નોંધાયો છે. આ વર્ષે 30 જૂન સુધીમાં કુલ 669 કેસ નોંધાયા છે, જેમાં 664 સગીર યુવતીઓ અને પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 720 કેસ નોંધાયા હતા, જેમાં 716 સગીર યુવતીઓના કેસ હતા. બીજી તરફ, દહેજ માટે મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચારના કેસ 246થી વધીને 260 થયા છે, જ્યારે દહેજ સિવાયના કારણોસર પરિણીત મહિલાઓ સાથે થતા શારીરિક અને માનસિક ત્રાસના કેસ 253થી ઘટીને 227 થયા છે.