અમદાવાદ: તાજેતરમાં જ રવિવારે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળાઓના શિક્ષકો માટેની TAT પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા દરમિયાન અમદાવાદના ઓઢવ વિસ્તારની એક શાળામાં પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આ મુદ્દે રાજ્ય શિક્ષણ બોર્ડને કાર્યવાહી કરવાની માગ કરી છે.
મળતી વિગતો અનુસાર, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા ગત ૩ મે, ૨૦૨૬ના રોજ યોજાયેલી TAT (માધ્યમિક) પરીક્ષા વિવાદોના ઘેરામાં આવી છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી 'સુપર હાઈસ્કૂલ' ખાતે પરીક્ષા દરમિયાન ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી તપાસની માંગ કરી છે. આ પરીક્ષામાં રાજ્યભરના આશરે 2.10 લાખ ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 86 ટકાથી વધુ એટલે કે 1.81 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા. લાખો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલી આ પરીક્ષામાં પારદર્શિતા સામે સવાલો ઉભા થતા ઉમેદવારોમાં રોષ અને ચિંતાની લાગણી પ્રસરી છે.
TAT (#માધ્યમિક) પરીક્ષા 2026: ઓઢવ કેન્દ્ર પર થયેલી કથિત ગેરરીતિ અંગે નિષ્પક્ષ તપાસની માંગ
— Yuvrajsinh Jadeja (@YAJadeja) May 5, 2026
વિષય: તા. 3 મે, 2026 ના રોજ લેવાયેલી #TAT (માધ્યમિક) પરીક્ષામાં '#સુપર_હાઈસ્કૂલ, ઓઢવ' ખાતે થયેલી ગંભીર શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ કરવા બાબત.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા… pic.twitter.com/aXGT1Sq9vB
યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો હતો કે, હાજર રહેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઓઢવ કેન્દ્રના બ્લોક નંબર ૧૧માં સંસ્કૃત વિષયની પરીક્ષા દરમિયાન એક મહિલા ઉમેદવાર શંકાસ્પદ રીતે વારંવાર વર્ગખંડની બહાર ગયા હતા. ગંભીર આક્ષેપ એ છે કે, ત્રીજી વખત બહાર જતી વખતે તેઓ પોતાની સાથે 'પ્રશ્નપત્ર' પણ લઈ ગયા હતા અને તેમની સાથે રિલીવર સુપરવાઈઝર પણ બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. આશરે બે મિનિટ બાદ બંને પરત ફર્યા હતા, જે દરમિયાન પ્રશ્નપત્ર બહાર મોકલી તેના જવાબો મેળવ્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત, દૂરના જિલ્લાના વિદ્યાર્થીઓને અમદાવાદ કેન્દ્ર અપાયું હોવા છતાં સ્થાનિક ઉમેદવારને ઘરની નજીક જ કેન્દ્ર મળ્યું હોવાની વિસંગતતા પર પણ સવાલો ઉઠ્યા હતા.
આ કથિત કૌભાંડ મામલે હવે રાજ્ય પરીક્ષા બોર્ડ અને શિક્ષણ વિભાગ પાસે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ માગણી કરી છે કે બ્લોક નંબર ૧૧ અને લોબીના તમામ CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી સત્ય બહાર આવે. જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર ઉમેદવાર, સુપરવાઈઝર અને કેન્દ્ર સંચાલકો સામે ગુનો દાખલ કરવા અને તપાસ માટે સ્વતંત્ર સમિતિ રચવાની રજૂઆત કરવામાં આવી છે.