સુરેન્દ્રનગરઃ થાનગઢ ખાતે યોજાયેલા વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. મેળામાં મોતના કૂવા ખાતે ખેલ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોની ભારે ભીડ વચ્ચે અચાનક સ્ટેજનું પાટિયું ભાંગી પડતાં સ્થળ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, મોતના કૂવા પાસે લોકોની અવરજવર અને ભીડ વચ્ચે સ્ટેજના માળખાનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. પાટિયું તૂટી પડતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો સલામત સ્થળે ખસી જવા લાગ્યા હતા.
તરણેતર મેળામાં સ્ટેજનું પાટિયું તૂટ્યું, સુરક્ષાને લઈને સવાલો | ThanGadh Tarnetar Mela
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 16, 2026
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે યોજાયેલા વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળામાં મોટી દુર્ઘટના ટળી હતી. મોતના કૂવા પાસે મોટી સંખ્યામાં લોકો ખેલ જોવા માટે ઉમટ્યા હતા, ત્યારે અચાનક સ્ટેજના માળખાનો એક… pic.twitter.com/x9s3RcAi9w
સદનસીબે કોઈ વ્યક્તિ નીચે પટકાઈ નહીં
ઘટનામાં સૌથી રાહતની બાબત એ રહી કે પાટિયું ભાંગી પડ્યું હોવા છતાં તેની નીચે કોઈ વ્યક્તિ પટકાઈ નહોતી. પરિણામે કોઈ જાનહાનિ કે મોટી ઈજા થઈ ન હતી. ઘટનાના પગલે સ્થળ પર ઉપસ્થિત લોકો તથા આયોજકો દ્વારા તાત્કાલિક સ્થિતિ સંભાળવામાં આવી હતી.

આયોજકો અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા
બનાવની જાણ થતાં જ મેળાના આયોજકો તથા સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સ્થિતિને કાબૂમાં લીધી હતી અને લોકોને સુરક્ષિત રીતે દૂર ખસેડ્યા હતા. થોડા સમય માટે સ્થળ પર દોડધામનો માહોલ રહ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોટી ભીડ વચ્ચે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી જરૂરી
તરણેતર મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી મેળા સ્થળે ઉભા કરવામાં આવતા સ્ટેજ, પાટિયા, રાઇડ્સ તથા અન્ય કામચલાઉ માળખાઓની સુરક્ષા ચકાસણી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ બનાવ બાદ આવા માળખાઓની સમયાંતરે તપાસ કરવામાં આવે અને ભીડવાળા સ્થળોએ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા જળવાય તેવી માંગ ઉઠી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.