ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સરકાર રચવા મુદ્દે પેચ ફસાયો છે. ટીવીકે ચીફ વિજયે આજે સવારે 11 વાગ્યે રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર સાથે મુલાકાત કરી સરકાર બનાવવાની તેમની વિનંતી પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હોવા છતાં, વિજય બહુમતી માટે 118 બેઠકોના આંકડાથી હજુ પણ થોડા દૂર છે. પરંતુ વિજયનો દાવો એવો છે કે, અત્યારે તેની પાસે અત્યારે સૌથી વધારે બહુમતી છે તો તે સરકાર બનાવી શકે છે. આ પહેલા પણ આવું થયેલું છે.
વિજય બહુમતીના આંકડાથી હજુ પણ દૂર
રાજ્યપાલ સાથેની મુલાકાતમાં વિજયે રજૂઆત કરી હતી કે અગાઉ પણ એવા ઉદાહરણો છે જ્યાં બહુમતી ન હોવા છતાં સૌથી મોટા પક્ષને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વિધાનસભાના ફ્લોર પર પોતાની સંખ્યા સાબિત કરી દેશે. જોકે, રાજ્યપાલે આ મામલે વિચારણા કરવાની ખાતરી આપી છે, જેના કારણે આજની સંભવિત શપથવિધિ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. પરંતુ ચોક્કસ ના કહી શકાય કે કોની સરકાર બનશે!
ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે ગઠબંધન થશે?
ચોંકાવનારી વાત એ છે કે, વિજય સરકાર બનાવે છે તેવી અટકળો વચ્ચે એવી ચર્ચા શરૂ થઈ રહી છે કે, ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચે ગઠબંધન થવાનું છે અને આ બંને પક્ષ સાથે મળીને સરકાર બનાવી શકે છે. જો કે, રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને ડીએમકે અને એઆઈએડીએમકે વચ્ચેના ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. સ્ટાલિને સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી વિજયને સરકાર બનાવવા માટે છ મહિના સુધી ખલેલ પહોંચાડ્યા વિના રાહ જોશે. વધુમાં કહ્યું કે, ‘અમે વિજયની સરકાર કેવી રીતે ચાલે છે તે જોવાની રાહ જોઈશું’.
તમિલનાડુમાં 6 મહિના પછી સરકાર બદલાશે કે કેમ?
મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન દ્વારા ભલે ગઠબંધનની અટકળો પર અત્યારે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હોય પરંતુ ભવિષ્યમાં સરકાર બનાવી શકે તેના પર પણ વિચાર થઈ શકે છે. કારણ કે, 6 મહિના સુધી રાહ જોવાની વાત કરી છે. એટલે કે, જો 6 મહિના પછી વિજયની સરકાર સારી નહીં ચાલે તો આ ગઠબંધન થઈ શકે તેમ છે તેવું માની શકાય! જો કે, અત્યારે આ માત્ર એક અટકળ છે!
તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું
એકતરફ વિજય સરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, બીજી તરફ AIADMK માં ભંગાણનો ડર સતાવી રહ્યો છે. પક્ષના 20 થી વધુ ધારાસભ્યોને પુડુચેરીના રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, AIADMK નેતાએ જણાવ્યું હતું કે ધારાસભ્યો રિસોર્ટમાં છે કારણ કે ચેન્નાઈમાં તાપમાન ખૂબ વધારે છે, જોકે રાજકીય વર્તુળોમાં આને રિસોર્ટ પોલિટિક્સ' તરીકે જોવામાં આવે છે.
કોંગ્રેસે સમર્થન આપ્યું છતાં વિજય બહુમતીથી દૂર
સરકાર બનાવવાના આંકડાની વાત કરવામાં આવે તો, વિજયની પાર્ટી TVK પાસે અત્યારે 108 બેઠકો છે, પરંતુ સરકાર બનાવવા બહુમતી માટે 118 બેઠકો હોવી જરૂરી છે. કોંગ્રેસે વિજયને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. જો કે, કોંગ્રેસના ટેકા છતાં વિજયને હજુ 5 વધુ ધારાસભ્યોના ટેકાની જરૂર છે. AIADMKએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં વિજયને ટેકો નહીં આપે. જ્યારે VCK એ હજુ પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી. એટલે હજી કોઈની પાસે સરકાર બનાવવા માટે બહુમત નથી.