Tue Apr 21 2026

Logo

રૂમ કે ગાદલું ન સળગ્યું, પણ ભાવનગરનાં દંપતીનું દાઝી જવાથી મોત!

2026-04-21 14:31:00
Author: Pooja Shah
Article Image

 

અમદાવાદઃ ભાવનગર જિલ્લાના તળાજામાં રામટેકરી રોડ પર રહેતા વૃદ્ધ દંપતીના તેમના જ નિવાસસ્થાનેથી નગ્ન હાલતમાં દાઝી ગયેલા મૃતદેહ મળ્યા હતા. પોલીસે આ મૃતદેહ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી, પરંતુ અમુક વિગતો શંકાસ્પદ હોવાનું તપાસમાં જણાઈ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન સોમવારે એફએસએલની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિક્ષણ કર્યું હતું. 

ઘટનાની મળતી વિગતો અનુસાર અહીં સોની વૈઠા પરિવારના કિશોરભાઈ વેલજીભાઈ  અને તેમનાં પત્ની રેખાબેન કિશોરભાઈ રહે છે અને તેમને જ્વેલરી શૉપ છે. તેમનો દીકરો વિમલ પત્ની અને પરિવાર સાથે રાજકોટમાં રહે છે. વિમલ પરિવાર સાથે તળાજા આવ્યો હતો. તેઓ ધાર્મિક સ્થળોએ ફરવા ગયા હતા અને ઘરે આવી માતા-પિતા તેમના રૂમમા અને પત્ની તેમ જ દીકરી ઉપરના માળે સૂતા હતા. વિમલ પોતે ધારડી હાઈવે પર મિત્રો સાથે ફરવા ગયો હતો. દરમિયાન તેને દીકરીનો ફોન આવ્યો હતો કે નીચેના ઘરમાંથી કંઈક બળવાની વાસ આવે છે. વિમલ પરત આવ્યો હતો અને તેણે જોયું તો માતા-પિતા મૃત હાલતમાં હતા. વિમલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે આવી હતી અને હાલમાં અક્સમાતે મોતનો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. 

જોકે અમુક વિગતોએ પોલીસનું ધ્યાન ખેંચ્યું હતું. જે પાથરી પર દંપતી સૂતું હતું તેનું ગાદલું કે ઓછાળ આખા દાઝ્યા ન હતા. પાસે પડેલા બન્ને મોબાઈલને કંઈ થયું ન હતું. દીવાલો, ફર્નચર વગેરે જોતા આગ લાગ્યાનું જણાતું ન હતું. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાતું નથી. આ સાથે આ ગીચ વિસ્તાર છે અને આગ લાગે તો દંપતી ચીસો પાડે અને પડોશીઓને ખબર પડે, પરંતુ આમ બન્યું નથી. જે રૂમમાં સૂતા હતા તેનું બારણુ પણ ખુલ્લુ હોવાનું જાણવા મળ્યું છે, તો બન્નેમાંથી કોઈએ બહાર આવવાની કોશિશ કેમ ન કરી, તેવા સવાલો પણ ઊભા થયા હતા. 

પોલીસે હાલમાં પોસ્ટર્મોટમ માટે મૃતદેહો મોકલી દીધા હતા અને એફએસએલ પરિક્ષણ કરાવી અહેવાલો મંગાવ્યા છે. આથી આગનું કારણ અને તેની સાથે દંપતીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.